<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

મનપાના ઝોનલ ટાઉન પ્‍લાનર વિરૂધ્‍ધ તપાસઃ નામ જાહેર કરવામાં ડરતું તંત્ર

કોંગ્રેસના સભ્‍યના પ્રશ્નના જવાબમાં ૫૫૦ નોટિસ અને ૧,૫૩૧ ડિમોલિશનની વિગતો જાહેરઃ તપાસ હેઠળના અધિકારીની ઓળખ છુપાવતાં પારદર્શિતા સામે સવાલ

રાજકોટ,તા.૨૧: મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનિંગ વિભાગના એક અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનો સત્તાવાર સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે. જોકે, તપાસ કયા અધિકારી સામે ચાલી રહી છે તેનું નામ જાહેર કરવામાં આવ્‍યું નથી. કોંગ્રેસના સભ્‍યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં નોટિસ, ડિમોલિશન અને બાંધકામ પરવાનગીના ઝોનવાઇઝ આંકડા આપવામાં આવ્‍યા છે, પરંતુ તપાસ હેઠળના અધિકારીની ઓળખ છુપાવવામાં આવતાં મનપા તંત્રની પારદર્શિતા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

કોંગ્રેસના સભ્‍યશ્રી દ્વારા હાલમાં કાર્યરત ઝોનલ ટાઉન પ્‍લાનરોની નિમણૂક કયારે કરવામાં આવી, તેઓ કાયમી છે કે નહીં, રાજકોટ શહેરમાં કેટલા ઝોનલ ટાઉન પ્‍લાનર ફરજ બજાવે છે તેમજ તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે બાંધકામો સામે કેટલી નોટિસ અને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્‍યા હતા.

શનિવારે મળેલી મનપાની જનરલ બોર્ડ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીએ આ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપ્‍યા હતા. ત્‍યારબાદ કોર્પોરેશન દ્વારા સભ્‍યશ્રીને આપવામાં આવેલા અને મનપાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા લેખિત જવાબમાં ઝોનવાઇઝ આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે.

સત્તાવાર જવાબ અનુસાર, ટાઉન પ્‍લાનરોની નિમણૂકથી આજદિન સુધી જીપીએમસી એક્‍ટની કલમ ૨૬૦(૧), કલમ ૨૬૭ તથા કલમ ૨૬૦(૨) હેઠળ વેસ્‍ટ ઝોનમાં કુલ ૨૦૧, સેન્‍ટ્રલ ઝોનમાં ૧૨૪ અને ઇસ્‍ટ ઝોનમાં ૨૨૫ નોટિસ આપવામાં આવી છે. આમ, ત્રણેય ઝોનમાં મળીને કુલ ૫૫૦ નોટિસ ફટકારવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્‍યું છે.

તે જ સમયગાળા દરમિયાન વેસ્‍ટ ઝોનમાં ૪૨, સેન્‍ટ્રલ ઝોનમાં ૪ અને ઇસ્‍ટ ઝોનમાં ૧,૪૮૫ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જવાબમાં દર્શાવવામાં આવ્‍યું છે. આ મુજબ શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૧,૫૩૧ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. તેની વોર્ડવાઇઝ પૂરક માહિતી ‘એનેક્ષર-એ' તરીકે સામેલ કરવામાં આવી હોવાનું પણ જવાબમાં જણાવાયું છે.

લેખિત જવાબમાં ગેરકાયદે બાંધકામના મુદ્દે એક અધિકારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવી હોવાનું તથા હાલ પણ તપાસ ચાલુ હોવાનું સ્‍પષ્ટપણે જણાવવામાં આવ્‍યું છે. તપાસ અંગેની માર્ગદર્શિકા અને સંબંધિત વિગતો ‘એનેક્ષર-ડી' તરીકે સામેલ કરવામાં આવી હોવાનું કહેવાયું છે. આમ છતાં, તપાસ હેઠળના અધિકારીનું નામ, હોદ્દો, તેમની સામેના ચોક્કસ આક્ષેપો તથા તપાસ કયારથી ચાલી રહી છે તેની સ્‍પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

આથી સવાલ ઊભો થયો છે કે જ્‍યારે મનપા તંત્ર જાહેરમાં તપાસ ચાલુ હોવાનું સ્‍વીકારે છે, ત્‍યારે સંબંધિત અધિકારીનું નામ જાહેર કરવામાં શા માટે ખચકાય છે? શું તપાસ દરમિયાન અધિકારીને તેમના પદ ઉપર યથાવત્‌ રાખવામાં આવ્‍યા છે? શું તેમને મહત્‍વની વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે? તપાસ કયારે પૂર્ણ થશે અને અત્‍યાર સુધીમાં શું કાર્યવાહી થઈ છે?ラઆ તમામ બાબતો અંગે મનપા તંત્રએ સ્‍પષ્ટતા કરવી જરૂરી બની છે.

મહાનગરપાલિકા જાહેર સંસ્‍થા છે અને ચૂંટાયેલા સભ્‍યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો સીધા જાહેર હિત સાથે સંકળાયેલા હોય છે. ત્‍યારે આંકડા જાહેર કરવા છતાં તપાસ હેઠળના અધિકારીનું નામ છુપાવવાથી શંકા વધુ ઘેરી બની રહી છે. મ્‍યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે પારદર્શિતા દાખવી સંબંધિત અધિકારીનું નામ, તપાસનો વિષય, તપાસની હાલની સ્‍થિતિ અને અત્‍યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી જાહેર કરવી જોઈએ તેવી માંગ ઊઠી છે.

(5:10 PM IST)