તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 22nd June 2026
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ૩૬પ દિવસ ફિટનેસનો મંત્રઃ યોગ એટ નેકસ્ટ લેવલ : રાજકોટમાં ‘એરિયલ યોગ'નો વધતો ક્રેઝ
યોગ દૈનિક જીવનમાં શારીરિક માનસિક અને ભાવનાત્મક સ્થિરતા લાવે છે : યોગ ટ્રેનર શ્રી ખ્યાતિ રવાણી : જમીન પર અઘરા આસનો એરિયલ હેમોકની મદદે સરળતાથી હવામાં કરી શકાય : યોગ નિષ્ણાંત ઋષિતા પરમાર

રાજકોટ તા. રરઃ જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસતારીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળતા વિશ્વના અનેક દેશોમાં યોગ પ્રત્યે જાગળતિ અને સ્વીકાર બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેથી, યોગ હવે માત્ર એક દિવસની ઉજવણી કે શારીરિક કસરત સુધી જ સીમિત ન રહેતા ૩૬૫ દિવસ શરીર, મન અને આત્માના સંતુલન માટે એક સંપૂર્ણ જીવનશૈલી તરીકે વિકસી રહ્યો છે. તણાવ, અનિયમિત જીવનશૈલી અને વધતી માનસિક સમસ્યાઓ વચ્ચે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટમા કાર્યરત યોગ ટ્રેનર ખ્યાતિ રવાણીએ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં ખાસ કરીને મહિલાઓ ઘર, પરિવાર, બાળકો અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સતત સંતુલન સાધવાનો પ્રયાસ કરતી હોય છે. આવા સંજોગોમાં યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સ્થિરતા પ્રદાન કરતું અસરકારક સાધન બની શકે છે.
તેમણે ઉમેર્યું કે, યોગને માત્ર ૨૧ જૂન પૂરતો સીમિત ન રાખતા વર્ષના તમામ ૩૬૫ દિવસ માટે જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ. હાલમાં બાળકો અને યુવાનોમાં પણ યોગ પ્રત્યે વધતી જાગળતિ એક સકારાત્મક સંકેત છે, તેથી જ દરેક માતા-પિતાએ પોતાના બાળકોને નાની ઉંમરથી જ યોગ સાથે જોડવા જોઈએ જેથી તેમનું ભવિષ્ય તંદુરસ્ત અને ખુશહાલ બને. આધુનિક યુગમાં પરંપરાગત યોગની સાથે અનેક નવી પદ્ધતિઓ અને પ્રયોગો પણ લોકપ્રિય બની રહ્યા છે. તેમાં ‘એરિયલ યોગ' હાલમાં રાજકોટના ફિટનેસપ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
યોગ નિષ્ણાત ઋષિતા પરમારના જણાવ્યા અનુસાર, એરિયલ યોગમાં ખાસ પ્રકારના સિલ્ક ફેબ્રિકથી બનેલા ‘એરિયલ હેમોક' (Hammock) ના સહારે હવામાં રહીને વિવિધ યોગાસનો કરવામાં આવે છે. સામાન્ય યોગમાં જેમ બ્લોક્સ અથવા બેલ્ટનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે એરિયલ હેમોક શરીરને હવામાં સપોર્ટ આપીને આસનોને વધુ સરળ અને અસરકારક બનાવે છે. આ પદ્ધતિમાં પણ શ્વાસ નિયંત્રણ, એકાગ્રતા અને શરીર-મનના સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. (આલેખન : રાજ લક્કડ - માહિતી ખાતુ, રાજકોટ.
(3:29 PM IST)










