News of Saturday, 25th April 2026
રાજકોટના આંગણે આંતરરાષ્ટ્રીય ઉડાન: હીરાસર એરપોર્ટ બનશે દેશનું નવું 'એવિએશન હબ', હવે દુબઈ-દોહા જવા માટે મુંબઈ-દિલ્હીના ધક્કામાંથી મુક્તિ
કેન્દ્ર સરકારના 'હબ-એન્ડ-સ્પોક' મોડલમાં રાજકોટની એન્ટ્રી; ઇન્ડિગો અને એર ઇન્ડિયા મોટા વિમાનો સાથે સૌરાષ્ટ્રના આકાશમાં ગર્જના કરશે, કસ્ટમ-ઇમિગ્રેશન હવે અહીં જ થશે

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ભારતને વૈશ્વિક ઉડ્ડયન નકશા પર ચમકાવવા માટે જે ક્રાંતિકારી યોજના બનાવી રહી છે, તેમાં રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટને દેશના 4 મુખ્ય 'ઇન્ટરનેશનલ એવિએશન હબ' પૈકીના એક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હવે રાજકોટનું એરપોર્ટ દુબઈ, દોહા અને સિંગાપોર જેવા વિશ્વવિખ્યાત ટ્રાન્ઝિટ પોઈન્ટ્સની હરોળમાં ઊભું રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના 'હબ-એન્ડ-સ્પોક' મોડલ હેઠળ, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની યાદીમાં હવે રાજકોટનો પણ સમાવેશ થયો છે. આ નવી વ્યવસ્થા મુજબ, મુસાફરો રાજકોટથી મુસાફરી શરૂ કરશે ત્યારે જ તેમનું કસ્ટમ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ થઈ જશે. સૌથી મોટી સુવિધા એ રહેશે કે કનેક્ટિંગ ફ્લાઈટ વખતે મુસાફરોએ પોતાના સામાનની ચિંતા નહીં કરવી પડે; એરપોર્ટ ઓથોરિટી દ્વારા જ સામાન સીધો ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
રાજકોટની પસંદગી પાછળના મહત્વના કારણો:
• વ્યૂહાત્મક લોકેશન: રાજકોટ એ ભારતનું પશ્ચિમ દિશાનું સૌથી મહત્વનું બિંદુ છે. અહીંથી ગલ્ફ દેશો (ખાડી દેશો) અત્યંત નજીક છે. ઉદાહરણ તરીકે, રાજકોટથી ઓમાનનું હવાઈ અંતર માત્ર 2 કલાકથી પણ ઓછું છે.
• ઔદ્યોગિક કેન્દ્ર: સૌરાષ્ટ્રનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાને કારણે અહીં પેસેન્જરોની સાથે 'કાર્ગો મૂવમેન્ટ'ની પણ વિપુલ શક્યતાઓ રહેલી છે.
• ભારતીય એરલાઇન્સને વેગ: અત્યાર સુધી વિદેશ જવા માટે મુસાફરોએ વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. હવે સરકાર ઇચ્છે છે કે એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી ભારતીય કંપનીઓ રાજકોટ જેવા હબ પરથી પોતાના ઓપરેશન્સ વધારીને આ બિઝનેસ કવર કરે.
હાલમાં ઇન્ડિગો એરલાઇન્સ મંત્રાલય સાથે આ અંગે ગહન ચર્ચામાં છે અને ટૂંક સમયમાં જ રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો પ્રારંભ થઈ શકે છે. આ પ્રોજેક્ટ સાકાર થતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ, પ્રવાસીઓ અને એનઆરઆઈ (NRI) સમુદાયને મુસાફરીમાં સમય અને નાણાંની મોટી બચત થશે. હવે વિદેશ જવા માટે મુંબઈ કે દિલ્હી જવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા ભૂતકાળ બની જશે.
(6:53 PM IST)










