<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

વોર્ડ નં.૨માં આંતરિક કલહ ઉગ્રઃ મહિલા આગેવાનના તોછડા વર્તનથી કાર્યકરોમાં અસંતોષ

પૂર્વ કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મિરાણીના ઘરે સંકલન બેઠક યોજાઈ હતી : ધર્મેન્‍દ્રભાઈ અને દર્શિતાબેન વચ્‍ચે તું-તું મેં-મેં : વાતાવરણ વધુ ગરમાયું

રાજકોટ,તા.૨૩: શહેરના વોર્ડ નંબર ૨માં ચૂંટણી પૂર્વે જ પાર્ટી અંદર અસંતોષનો માહોલ વધુ ગાઢ બન્‍યો છે. ઉમેદવારી જાહેર થયા બાદ જૈન, લોહાણા અને બ્રહ્મસમાજના કાર્યકરોમાં નારાજગી ખુલ્લેઆમ સામે આવી રહી છે, જેના કારણે સંગઠન પર સીધી અસર જોવા મળી રહી છે.

સ્‍થાનિક સ્‍તરે એવી ચર્ચા છે કે ધારાસભ્‍ય દર્શિતાબેનના કઠોર વર્તનને કારણે કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ વધ્‍યો છે. ઘણા જૂના કાર્યકરો હજુ સક્રિય થયા નથી, જ્‍યારે પાર્ટી દ્વારા જૂના જોગીઓને ફરી એક્‍ટિવ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અમુક કાર્યકરોને કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાએ વિવાદને વધુ તીવ્ર બનાવ્‍યો છે. સાથે જ ર્હોડિંગ, બોર્ડ અને બેનરમાં વારંવાર ફોટા બદલવા અંગે સૂચનાઓ આપવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો સામે આવ્‍યા છે.

આજના દિવસે વોર્ડ-૨માં ધર્મેન્‍દ્રભાઈના મીરાણી ઘરે સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્‍ય મોડા પહોંચ્‍યા હતા. બેઠક દરમિયાન કાર્યકરોના માન-સન્‍માન મુદ્દે ચર્ચા ચાલી, પરંતુ પરિસ્‍થિતિ તંગ બનતાં દર્શિતાબેન બેઠકમાંથી નીકળી ગયા હતા. ત્‍યારબાદ ધર્મેન્‍દ્રભાઈ અને દર્શિતાબેન વચ્‍ચે તું-તું મેં-મેં થઈ જતા વાતાવરણ વધુ ગરમાયુંનું ચર્ચાઇ રહ્યું છે. એક ચર્ચાકીય વિગતો મુજબ મહિલા ધારાસભ્‍યના તોછડા વર્તનથી પૂર્વ કોપોરેટરે સચોટ બાબત કહેતા ધારાસભ્‍યને ગમ્‍યું ન હતું અને બંને વચ્‍ચે તુ તુ મે મે થઇ જવા પામ્‍યું હતું બાદમાં ઉપસ્‍થિત નેતાઓ બંને આગેવાનોને સમજાવટ કરી સમાધાન કરાવ્‍યું હતુ.

હાલ સ્‍થિતિ એવી છે કે નારાજ કાર્યકરોને મનાવવા માટે નેતાઓને ઘરે-ઘરે જઈ સમાધાન કરવું પડી રહ્યું છે, જેથી ચૂંટણી પહેલાં એકતા જાળવી શકાય.

હિસાબ બાબતે ચકમક

એક રાજકીય વતુળોમાંથી જાણવા મળતી વિગત મુજબ આજે વોર્ડનં ૨ ની સંકલન બેઠકમાં શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ દિપાબેન કાચા અને વોર્ડના ભાજપ અગ્રણી કૌષિક અઢિયા વચ્‍ચે પણ ચકમક હિસાબ બાબતે  ચકમક થવા પામી હતી વધુ વાતાવરણ તંગ ન બને તે હેતુથી ઉપસ્‍થિત આગેવાનોએ સમજાવટથી  મામલો થાળે પાડયો હતો. 

(3:20 PM IST)