<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

રાજમાર્ગો ઉપર સઘન સફાઇ ઝુંબેશઃ ગંદકી કરનાર સામે કડક પગલા

સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત શહેરના મુખ્‍ય માર્ગો આવરી લેવાયા :મનપાના અધિકારીઓ-કર્મચારીઓની ટીમો દ્વારા સતત મોનિટરિંગ

રાજકોટ તા.૮: ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૬'' અંતર્ગત રાજકોટ શહેરમાં Visible Cleanliness જળવાઈ રહે, જાહેર સ્‍થળો અને મુખ્‍ય માર્ગો સ્‍વચ્‍છ તેમજ સુંદર દેખાય, Cleanliness Target Unit (CTU) દૂર કરવામાં આવે તથા શહેરની જાહેર સ્‍વચ્‍છતા વધુ સુદૃઢ બને તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્‍ય માર્ગો પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આ કામગીરી અંતર્ગત શહેરના તમામ વોર્ડના મુખ્‍ય માર્ગો પર સફાઈ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા સંબંધિત મુખ્‍ય માર્ગોનું સતત તથા દૈનિક મોનિટરિંગ કરવામાં આવશે અને સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરમાં ગંદકી કરનાર, જાહેરમાં કચરો ફેંકનાર, ન્‍યુસન્‍સ ફેલાવનાર તથા સ્‍વચ્‍છતા અંગેના નિયમોનો ભંગ કરનાર આસામીઓ સામે કડક કાર્યવાહી કરી વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. પાનની દુકાન દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત પાનપીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  આ ઉપરાંત, મુખ્‍ય માર્ગો પર આવેલા Pay & Use Toiletની ચકાસણી, હંગામી દબાણ દૂર કરવાની કામગીરી, ફૂટપાથની મરામત, રોડ પર રહેલી ધૂળ-માટી, પથ્‍થર, ઘાસ-ઝાડી વગેરે દૂર કરવા સહિતની આનુષંગિક કામગીરી પણ કરવામાં આવશે. શહેરના મુખ્‍ય માર્ગો સ્‍વચ્‍છ, સુઘડ અને સુંદર રહે તેમજ નાગરિકોને સ્‍વચ્‍છ અને સુવ્‍યવસ્‍થિત જાહેર પરિસર મળી રહે તે માટે તમામ સંબંધિત ટીમો દ્વારા સતત કામગીરી કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્‍ય માર્ગો પર ‘‘સફાઈ માત્ર કરવી નહીં, પરંતુ સફાઈ જાળવી રાખવી''ના અભિગમ સાથે કામગીરી કરવામાં આવશે.

મુખ્‍ય માર્ગો પર સ્‍વચ્‍છતા, સુઘડતા અને સુશોભન જળવાઈ રહે તે માટે સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.

(2:43 PM IST)