તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ભાજપે સતત અવગણના કરતા કોળી સમાજ લાલઘુમ
કોર્પોરેશનની ચૂંટણી-સંગઠન-શિક્ષણ સમિતિમાં બાદબાકી થતાં સમાજમાં ભારે ઘુંધવાટ : આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ ભાજપને તેનું સ્થાન બતાવશે? કોંગ્રેસે દિપ્તીબેન સોલંકીને વિરોધ પક્ષના નેતા બનાવી સમાજને પ્રાધાન્ય આપ્યું

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા માહેની એક નિષ્ઠા એટલે સામાજિક સમરસતાની વાતો, જે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીએ પોકળ સાબિત કરી હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. લોકશાહીની વ્યવસ્થા મુજબ સરકારી તંત્ર દ્વારા વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે અને તેના ઉપરથી જ્ઞાતિના રાજકીય માપદંડ નક્કી કરવામાં આવતા હોય છે અને જ્ઞાતિ આધારિત રાજકીય પક્ષો સમાજને વધુ મહત્વ આપતો હોય છે, ત્યારે રાજકોટ ભાજપમાં જુદા માપદંડો જોવા મળી રહ્યા છે.
સામાજિક સમરસતાની વાત કરનાર ભાજપ હવે જૂથવાદની નિષ્ઠા પર ચાલતું હોય તેમ જણાઈ આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં વધુ પડતું કોંગ્રેસીકરણ આજે પાર્ટીની મૂળભૂત વિચારધારાને ભુલાવી રહ્યો હોય તેવું પણ ઘણાને લાગી રહ્યું છે.
રાજકોટમાં ઓબીસી સમાજમાં પ્રથમ ક્રમે ગણાતો કોળી સમાજ એટલે કે અંદાજિત દોઢ લાખથી વધુ મતદારો અને બે લાખથી વધુ સંખ્યા ધરાવતો કોળી સમાજની ભારેખમ ઉપેક્ષા કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી હોય તેવું ચર્ચાએ રહેલ છે.
શહેર ભાજપમાં વર્ષો સુધીના સંગઠનમાં કોળી સમાજના આગેવાન અને વિધાનસભાના દાવેદાર શ્રી રમેશ પરમારને એક માત્ર ઉપપ્રમુખ પદ આપી કોળી સમાજ માટે ભાજપે મોટો ઉપકાર કર્યો હોય તેવું વર્તાવાય રહ્યું હોય તેવું મનાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મહત્વના ગણાતા શહેર ભાજપના મહામંત્રીપદે કોળી સમાજને ક્યારેય સ્થાન મળ્યું નથી. કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર કે સ્ટેન્ડિંગમાં ક્યારેય કોળી સમાજનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ બનેલી શિક્ષણ સમિતિમાં પણ કોળી સમાજને સ્થાન ન મળતા ભાજપ પ્રત્યે છુપા અણગમાની લાગણી જોવા મળી રહી છે. શિક્ષણ સમિતિમાં પણ કોળી સમાજને ક્યારેય પ્રતિનિધિત્વ મળ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. બક્ષીપંચમાં પ્રમાણમાં નાની ગણાતી જ્ઞાતિએ પણ આજે રાજકીય કદમાં મોટું કાઠુ કાઢ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજને પ્રતિનિધિત્વ નહીં આપીને મોટો અન્યાય કર્યો હતો અને જેના પગલે કોળી સમાજના અમુક આગેવાનોએ થોડા સમય પૂર્વે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. તે જ સમયે કોંગ્રેસે વિપક્ષી નેતા તરીકે દિપ્તીબેન સોલંકીની વરણી કરી કોળી સમાજને પૂરતું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ ભાજપને જય રણછોડ કરે તેવા આકરા મૂડમાં જોવા મળી રહ્યો છે
(3:38 PM IST)










