News of Monday, 27th July 2026
મોરબીમાં સ્પીડબ્રેકર પર કાર ઉછળતાં મણકામાં ઇજાઃ રાજકોટના વૃધ્ધનું મોત
ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં મનુભા જાડેજા ભુજ જતાં હતાં ત્યારે બનાવઃ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: મોરબીમાં સનાળા રોડ પર સ્પીડ બ્રેકર પર કાર ઉછળતાં અંદર બેઠેલા રાજકોટના વૃધ્ધને કમરના મણકામાં ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે દ્વારકાધીશ હોટેલ પાછળ મોરબી હાઇવે પર રહેતાં મનુભા ગુમાનસિંહ જાડેજા (ઉ.વ.૬૧) નામના વૃધ્ધ તા. ૨૦/૭ના રોજ કારમાં બેસીની ભુજ તરફ જતાં હતાં ત્યારે મોરબીમાં સનાળા રોડ પર હોન્ડાના શો રૂમ પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતાં તેમાં કાર ઉછળતાં તેમને કમરના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. તબિયત બગડતાં ટંકારા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ સારવારમાં મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:54 PM IST)










