તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મોંઘવારીનો માર કે બજારમાં મંદી ? રાજકોટમાં ગત વર્ષ કરતા ૯૮૬ વાહનો ઓછા વેચાયા
ર૦ર૬માં ૭પ.૭૩ કરોડના ૩૦૬૮ વાહનોની ખરીદી ; વાહનો ઘટયા છતાં મનપાની વાહનવેરાની આવક રૂા.૧.૯ર કરોડ વધી; નવ દિવસમાં તિજોરીમાં રૂા. ૧.પ૯ કરોડ ઠલવાયા : ર૦રપમાં નવ દિ'માં ૭૬.૦૨ કરોડના ૪૦પ૪ વાહનો વેચાયા હતા

રાજકોટ, તા.૨૦: નવરાત્રીના શુભ દિવસોમાં નવા વાહનની ખરીદી માટે બજારમાં ભારે ધસારો જોવા મળતો હોય છે, પરંતુ રાજકોટમાં આ વર્ષે વાહનોના વેચાણના આંકડા ચોંકાવનારા નીકળ્યા છે. ગત વર્ષની નવરાત્રીની સરખામણીએ ચાલુ વર્ષે શહેરમાં અંદાજે એક હજાર એટલે કે ચોક્કસ ૯૮૬ વાહનો ઓછાં વેચાયાં છે. ખાસ કરીને મધ્યમવર્ગની પ્રથમ પસંદ ગણાતા ટુ-વ્હીલરના વેચાણમાં જ ૮૯૧ વાહનોનો જંગી ઘટાડો નોંધાયો છે.
મહાનગરપાલિકાના વાહનવેરાના સત્તાવાર આંકડા મુજબ તા.૧૧થી ૧૯ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન શહેરમાં કુલ ૩,૦૬૮ વાહનોનું વેચાણ થયું હતું. આ વાહનોની કુલ કિંમત રૂ. ૭૫,૭૩,૬૨,૮૪૧.૩૫ થાય છે. તેની સામે ગત વર્ષે તા.૨૨થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન નવરાત્રીના નવ દિવસમાં કુલ ૪,૦૫૪ વાહનો વેચાયાં હતાં, જેની કુલ કિંમત રૂ.૭૬,૦૨,૩૫,૫૬૯.૨૬ હતી.
આમ, ગત વર્ષ કરતાં આ વર્ષે વાહનોની સંખ્યામાં ૯૮૬નો એટલે કે આશરે ૨૪.૩૨ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. જોકે વાહનોની સંખ્યા લગભગ એક હજાર ઘટવા છતાં કુલ વેચાણ કિંમતમાં માત્ર રૂ.૨૮.૭૨ લાખ જેટલો ઘટાડો થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે ઓછાં વાહનો વેચાયાં હોવા છતાં ઊંચી કિંમતનાં વાહનોની ખરીદીનું પ્રમાણ વધ્યું છે.
સૌથી મોટો ફટકો ટુ-વ્હીલર બજારને પડ્યો છે. ગત વર્ષે નવરાત્રી દરમિયાન કુલ ૩,૩૭૫ ટુ-વ્હીલર વેચાયાં હતાં, જ્યારે આ વર્ષે માત્ર ૨,૪૮૪ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. એટલે કે ટુ-વ્હીલરના વેચાણમાં સીધો ૮૯૧ વાહનોનો ઘટાડો થયો છે.
પેસેન્જર અને કોમર્શિયલ થ્રી-વ્હીલરના વેચાણમાં પણ મંદી જોવા મળી છે. ગત વર્ષે કુલ ૧૮૭ થ્રી-વ્હીલર વેચાયાં હતાં, તેની સામે આ વર્ષે ૧૨૭ વાહનો વેચાતાં ૬૦ વાહનોનો ઘટાડો થયો છે. લાઇટ કોમર્શિયલ વ્હીકલનું વેચાણ પણ ૭૫થી ઘટીને ૪૧ થયું છે.
બીજી તરફ કારબજાર આ ઘટાડા સામે લગભગ અડીખમ રહ્યું છે. ગત વર્ષે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી મળીને ૪૦૨ કાર વેચાઈ હતી, જ્યારે આ વર્ષે ૩૯૬ કાર વેચાઈ છે. કારના વેચાણમાં માત્ર છનો ઘટાડો થયો હોવા છતાં તેની કુલ કિંમત રૂ.૪૪.૭૬ કરોડથી વધીને રૂ.૪૪.૭૬ કરોડથી વધુ નોંધાઈ છે. ખાસ કરીને ડીઝલ અને પેટ્રોલ કારની ખરીદીમાં ઊંચી કિંમતનાં મોડલનો દબદબો જોવા મળ્યો છે.
મનપાની આવકના આંકડા વધુ રસપ્રદ છે. ગત વર્ષની નવરાત્રી દરમિયાન વાહનવેરા પેટે રૂ.૧,૪૦,૦૫,૩૧૧ની આવક થઈ હતી. આ વર્ષે વાહનોની સંખ્યા ૯૮૬ ઘટવા છતાં મનપાને રૂ.૧,૫૯,૩૧,૩૯૪ની આવક થઈ છે.
આમ, વાહનોના વેચાણમાં ૨૪.૩૨ ટકાનો ઘટાડો થયો હોવા છતાં વાહનવેરાની આવકમાં રૂ.૧૯,૨૬,૦૮૩ એટલે કે આશરે ૧૩.૭૫ ટકાનો વધારો નોંધાયો છે. મોંઘી કાર અને ઊંચી કિંમતનાં વાહનોનું વેચાણ વધવાથી મનપાની તિજોરી છલકાઈ હોવાનું આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
એકંદરે રાજકોટના વાહનબજારનું ચિત્ર બેવડું જોવા મળ્યું છે. વાહનોની સંખ્યાની દૃષ્ટિએ ગત વર્ષ કરતાં બજારને મોટો ફટકો પડ્યો છે, પરંતુ કુલ વેચાણ કિંમત લગભગ ગત વર્ષની સપાટીએ જ રહી છે અને મનપાની વાહનવેરાની આવક વધી છે. એટલે સામાન્ય અને મધ્યમવર્ગે ખરીદીમાં હાથ ખેંચ્યો હોય, પરંતુ મોંઘાં વાહનો ખરીદનારા ગ્રાહકોએ બજારને રૂપિયાની દૃષ્ટિએ ટકાવી રાખ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
આજે પણ શુભ મુહૂર્તના કારણે અગાઉથી બુક કરાયેલા વાહનોની ડિલિવરી થવાની હોવાથી રાજકોટમાં વધુ કરોડો રૂપિયાનાં વાહનો વેચાવાની ધારણા છે. અંતિમ આંકડા ઉમેરાયા બાદ કુલ વેચાણ અને મનપાની વાહનવેરાની આવક હજુ વધશે.

(3:06 PM IST)










