<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્‍ટાર કોમેડિયન નૂર મોહમ્‍મદ ‘ચાર્લી’ હાસ્યને મુખ્ય પ્રવાહમાં લાવનાર ઍક અવિસ્મરણીય કલાકાર

નૂર મોહમ્‍મદનો ચાર્લીનો જન્‍મ ૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ભારતના સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરના રાણાવાવ ગામમાં મેમણ પરિવારમાં થયો હતો. *ફિલ્‍મ ધ ઇન્‍ડિયન ચાર્લી (૧૯૩૩) ના રિલીઝ પછી તેમના સ્‍ક્રીન નામ તરીકે ચાર્લી નામ રાખ્‍યું. *તેમણે સ્‍વર્ણલતા, મહેતાબ અને લીલા ચિટનિસ જેવી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. તેમણે સુરૈયા અને અમીરબાઈ કર્નાટકી જેવા કલાકારો સાથે ગાયન પણ કર્યું હતું. * ભારત સરકારે ચાર્લીને નાગરિકતા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે પાકિસ્‍તાન પાછા ફરવું પડયું હતું.

ભારતીય સિનેમાના ઇતિહાસમાં જ્‍યારે અનેક દિગ્‍ગજોના નામ લેવામાં આવે છે ત્‍યારે એક એવું નામ ઘણીવાર ચર્ચાની બહાર રહી જાય છે જેણે ભારતીય ફિલ્‍મોમાં હાસ્‍યને માત્ર મનોરંજન પૂરતું ન રાખીને તેને વ્‍યાવસાયિક સફળતાનું કેન્‍દ્ર બનાવ્‍યું. આ નામ છે નૂર મોહમ્‍મદ ‘ચાર્લી'. આજે કોમેડિયન ફિલ્‍મોના મુખ્‍ય આકર્ષણ બની શકે છે તે સ્‍વાભાવિક લાગે છે પરંતુ ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકામાં આ વિચાર અસાધારણ હતો. તે સમયના ફિલ્‍મ ઉદ્યોગમાં હીરો અને હીરોઇન જ મુખ્‍ય આકર્ષણ માનવામાં આવતા હતા. આવા સમયમાં નૂર મોહમ્‍મદ ચાર્લીએ પોતાની લોકપ્રિયતા દ્વારા સાબિત કર્યું કે એક હાસ્‍ય કલાકાર પણ ફિલ્‍મની સફળતાનો મુખ્‍ય આધાર બની શકે છે.

નૂર મોહમ્‍મદનો ચાર્લીનો જન્‍મ ૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ભારતના સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરના રાણાવાવ ગામમાં થયો હતો. નૂર મોહમ્‍મદનો જન્‍મ એક મેમણ પરિવારમાં થયો હતો. બાળપણમાં શાળા પ્રત્‍યે અણગમો હોવાથી નૂર મોહમ્‍મદ ઘણીવાર શાળાએથી ભાગીને સિનેમા જોવા જતા હતા. નાની ઉંમરે જ તેમણે તૂટેલી છત્રીઓ રિપેર કરવાનું કામ શરૂ કર્યું હતું. ૧૯૨૫માં જ્‍યારે તેઓ હિમતભેર મુંબઇ પહોંચ્‍યા અને જાહેર કર્યું કે તેઓ ગાઈ શકે છે ત્‍યારે ‘ઈમ્‍પીરિયલ ફિલ્‍મ કંપની'એ તેમને રુ. ૪૦ના માસિક વેતન પર નોકરીએ રાખ્‍યા હતા.

નૂર મોહમ્‍મદને બાળપણથી જ અભિનય અને રંગભૂમિ પ્રત્‍યે આકર્ષણ હતું. તે સમયના પારસી થિયેટર અને ફરતી નાટક કંપનીઓમાં કલાકારોને ગાયન, નૃત્‍ય, સંવાદ અને હાવભાવ ચારેય ક્ષેત્રમાં નિપુણ બનવું પડતું હતું. આ જ કઠોર તાલીમે નૂર મોહમ્‍મદને એક સર્વાંગી કલાકાર બનાવ્‍યા. રંગભૂમિમાં વિકસાવેલી તેમની શરીરભાષા અને ચહેરાની અભિવ્‍યક્‍તિ પછી ફિલ્‍મોમાં તેમની સૌથી મોટી શક્‍તિ બની. તેઓ પ્રથમ ‘સ્‍ટાર' હાસ્‍ય કલાકાર હતા અને તેમને ભારતના પ્રથમ કોમેડી રાજા તરીકે ઓળખવામાં આવે છે.

નૂર મોહમ્‍મદ તો નામ હતું પણ આ ‘ચાર્લી' નામ કેવી રીતે મળ્‍યું? એ પણ રસપ્રદ છે. વિશ્વપ્રસિદ્ધ હાસ્‍ય સમ્રાટ ચાર્લ્‍સ સ્‍પેન્‍સરથી પ્રેરિત હતા જેની લોકપ્રિયતા ભારતમાં પણ ઝડપથી વધી રહી હતી. નૂર મોહમ્‍મદે તેમની પાસેથી હાસ્‍યની લય, મૌન અભિવ્‍યક્‍તિ અને શરીરભાષાના પાઠ શીખ્‍યા પરંતુ તેમણે ક્‍યારેય સીધી નકલ કરી નહોતી. તેમની વિશિષ્ટ કોમિક શૈલીને કારણે દર્શકો અને ફિલ્‍મ ઉદ્યોગે તેમને પ્રેમથી ચાર્લી કહેવાનું શરૂ કર્યું. આ ઉપનામ એટલું લોકપ્રિય બન્‍યું કે તેમનું મૂળ નામ પાછળ રહી ગયું અને નૂર મોહમ્‍મદ ચાર્લી જ તેમની ઓળખ બની. તેમણે તે સમયની ઘણી ટોચની અભિનેત્રીઓ સાથે કોમિક હીરો તરીકે અભિનય કર્યો. ચાર્લી ચેપ્‍લિનના મોટા ચાહક હોવાથી તેમણે તેમની લોકપ્રિય ફિલ્‍મ ધ ઇન્‍ડિયન ચાર્લી (૧૯૩૩) ના રિલીઝ પછી તેમના સ્‍ક્રીન નામ તરીકે ચાર્લી નામ રાખ્‍યું.

ભારતીય સિનેમામાં મૂંગી ફિલ્‍મોમાંથી બોલતી ફિલ્‍મો તરફનું પરિવર્તન અનેક કલાકારો માટે મુશ્‍કેલ સાબિત થયું. ઘણા લોકપ્રિય કલાકારોનો કારકિર્દીનો અંત આવી ગયો કારણ કે તેમનો અવાજ અથવા સંવાદશૈલી દર્શકોને ગમી નહોતી. નૂર મોહમ્‍મદ ચાર્લી માટે આ પરિવર્તન તક સાબિત થયું. તેમના સ્‍પષ્ટ ઉચ્‍ચારણ, મજબૂત સંવાદ-અદાયગી અને સમયોચિત કોમિક ટાઇમિગે તેમને ટોકી યુગના સૌથી લોકપ્રિય કલાકારોમાં સ્‍થાન અપાવ્‍યું. ૧૯૩૦ના દાયકાથી તેઓ અનેક જાણીતા સ્‍ટુડિયો સાથે જોડાયા. તે સમયના મોટા બેનરો તેમની હાજરીને ફિલ્‍મની વ્‍યાવસાયિક સફળતા માટે જરૂરી માનતા હતા. તેમણે સામાજિક, સંગીતમય અને પારિવારિક ફિલ્‍મોમાં યાદગાર હાસ્‍ય પાત્રો ભજવ્‍યા. તેમની વિશેષતા એ હતી કે તેઓ મુખ્‍ય સ્‍ટોરીથી અલગ લાગતા નહોતા પરંતુ સ્‍ટોરીને આગળ વધારતા.

નૂર મોહમ્‍મદ ચાર્લીએ કૃષ્‍ણા ફિલ્‍મ કંપનીની ફિલ્‍મ અકલના બર્દન (૧૯૨૮) માં પ્રફુલ્‍લ ઘોષ દ્વારા દિગ્‍દર્શિત ફિલ્‍મ ‘અકલના બર્દન' માં પોતાનો અભિનય શરૂ કર્યો. આ સમયે તેમને નૂર મોહમ્‍મદ તરીકે ઓળખવામાં આવ્‍યા હતા અને તેમણે ‘લેખ પર મેખ' અને ‘વસંત લીલા' જેવી અન્‍ય ફિલ્‍મોમાં કામ કર્યું હતું. ૧૯૨૯માં તેમને ‘ધ ઇન્‍ડિયન ચાર્લી' માટે એલ્‍ફિન ફિલ્‍મ કંપની દ્વારા સાઇન કરવામાં આવ્‍યા હતા જે ૧૯૩૩ સુધી રિલીઝ થઈ ન હતી. ૧૯૩૨માં ‘ટોકીઝ' ના આગમન સાથે એઝરા મીરે દિગ્‍દર્શિત ફિલ્‍મ ‘ઝરીના' એ તેમને લોકપ્રિય અભિનેતા બનાવ્‍યા. તેમણે ‘પ્રેમી પાગલ' (૧૯૩૩) માં એઝરા મીરની સાથે અને ‘ચંદ્રહાસા' (૧૯૩૩) માં સર્વોત્તમ બદામી સાથે કામ કર્યું. આ ફિલ્‍મોએ તેમને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બનાવ્‍યા. અંતે ૧૯૩૩માં ‘ધ ઇન્‍ડિયન ચાર્લી' રિલીઝ થઈ જે ખૂબ જ લોકપ્રિય બની જેના કારણે તેઓ સ્‍ટારડમ સુધી પહોંચ્‍યા. ફિલ્‍મની સફળતાને કારણે તેમનું નામ નૂર મોહમ્‍મદ ચાર્લી રાખવામાં આવ્‍યું અને પછીની ફિલ્‍મોમાં તે ફક્‍ત ‘ચાર્લી' તરીકે ઓળખાયા.

૧૯૩૪માં ચાર્લી ‘રંજિત ફિલ્‍મ કંપની' સાથે જોડાયા અને ‘તુફાની તરુણી' (૧૯૩૪), ‘તુફાન મેલ' (૧૯૩૪) તથા ‘બેરીસ્‍ટર્સ વાઇફ' (૧૯૩૫) જેવી સફળ ફિલ્‍મોમાં અભિનય કર્યો. તેઓ અવારનવાર દીક્ષિત અને ઘોરી જેવા અન્‍ય પ્રખ્‍યાત હાસ્‍ય કલાકારો સાથે સહ-અભિનય કરતા હતા. ૧૯૪૦ના દાયકામાં તેમણે ઘણી હિટ ફિલ્‍મોમાં કામ કર્યું. ચતુરભુજ દોશી દ્વારા નિર્દેશિત ફિલ્‍મ ‘મુસાફિર' (૧૯૪૦) ખૂબ લોકપ્રિય બની હતી જેમાં ચાર્લીએ વિદેશથી પરત ફરેલા એવા રાજકુમારની ભૂમિકા ભજવી હતી જે સ્‍વદેશ આવીને જુએ છે કે તેનું રાજ્‍ય અસ્‍તવ્‍યસ્‍ત હાલતમાં છે. તે સમયની અન્‍ય ફિલ્‍મોમાં ‘ધંડોરા' (૧૯૪૧) - જેનું નિર્દેશન તેમણે પોતે કર્યું હતું - ઉપરાંત એ. આર. કારદારની ‘પાગલ' (૧૯૪૧), જયંત દેસાઈની ‘બંસરી' (૧૯૪૩), મહેબૂબ ખાનની ‘તકદીર' (૧૯૪૩), જયંત દેસાઈની ‘મનોરમા' (૧૯૪૪), મહેશ ચંદ્રની ‘ચાંદ તારા' (૧૯૪૫), ઝિયા સરહદીની ‘યતીમ' (૧૯૪૫) અને ફણી મજુમદારની ‘ઇન્‍સાફ' (૧૯૪૬)નો સમાવેશ થાય છે. તેમણે સ્‍વર્ણલતા, મહેતાબ અને લીલા ચિટનિસ જેવી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. તેમણે સુરૈયા અને અમીરબાઈ કર્નાટકી જેવા કલાકારો સાથે ગાયન પણ કર્યું હતું. તેમની સફળતાના શિખર પર હતા ત્‍યારે તેઓ પૃથ્‍વીરાજ કપૂર અને તે સમયના અન્‍ય ટોચના સ્‍ટાર્સ કરતાં પણ વધુ મહેનતાણું લેતા હતા.

 ૧૯૪૭માં ભારતના ભાગલા બાદ નૂર મોહમ્‍મદ ચાર્લીએ પાકિસ્‍તાનમાં રહેવાનું પસંદ કર્યું. પાકિસ્‍તાનમાં તેમની પ્રથમ ફિલ્‍મ દાઉદ ચાંદ દ્વારા નિર્દેશિત પંજાબી ફિલ્‍મ ‘મુંદરી' (૧૯૪૯) હતી. ત્‍યારબાદ તેમણે નઝીર અજમેરીની ‘બેકરાર' (૧૯૫૦)માં કામ કર્યું. આ બંને ફિલ્‍મોને ખૂબ જ સરાહના મળી હતી. જોકે તેમણે પાકિસ્‍તાનમાં લગભગ એક ડઝન જેટલી ઉર્દૂ, સિધી અને પંજાબી ફિલ્‍મોમાં અભિનય કર્યો હતો પરંતુ તે બધી સફળ રહી ન હતી. તેઓ ૧૯૬૦માં ભારત પાછા ફર્યા અને ત્રણ ફિલ્‍મોમાં અભિનય કર્યો. ‘ઝમીન કે તારે' (૧૯૬૦), ‘ઝમાના બદલ ગયા' (૧૯૬૧) અને ‘અકેલી મત જાઈયો' (૧૯૬૩). સંજીત નારવેકરના પુસ્‍તક ‘ઈના મીના ડીકાઃ ધ સ્‍ટોરી ઓફ હિન્‍દી ફિલ્‍મ કોમેડી' અનુસાર તે સમયે ભારત સરકારે ચાર્લીને નાગરિકતા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે પાકિસ્‍તાન પાછા ફરવું પડ્‍યું હતું. લોલીવુડ (પાકિસ્‍તાની ફિલ્‍મ ઉદ્યોગ)ની કેટલીક વધુ ફિલ્‍મોમાં અભિનય કર્યા પછી ચાર્લી તેમના પુત્ર પાસે રહેવા માટે અમેરિકા ગયા હતા.

નૂર મોહમ્‍મદ ચાર્લીને બે પુત્રો અને એક પુત્રી હતી. તેઓ અમેરિકાથી પાકિસ્‍તાન પાછા ફર્યા અને ૩૦ જૂન ૧૯૮૩ ના રોજ કરાચી, સિધ, પાકિસ્‍તાનમાં તેમનું અવસાન થયું. તેમનો એક પુત્ર પ્રખ્‍યાત ફિલ્‍મ અને ટીવી અભિનેતા લતીફ ચાર્લી હતો જેનું ૧૯ જુલાઈ ૨૦૧૧ ના રોજ ૭૫ વર્ષની વયે અવસાન થયું. નૂર મોહમ્‍મદનો પૌત્ર (લતીફ ચાર્લીનો પુત્ર) યાવર ચાર્લી છે જે ભૂતપૂર્વ અભિનેતા હતા જેમણે જગ અને જનરલ હોસ્‍પિટલના ટીવી એપિસોડમાં અભિનય કર્યો હતો અને હવે તે વેસ્‍ટ હોલીવુડ સીએ હોમ્‍સ અને પ્રોપર્ટી લિસ્‍ટિંગમાં નિષ્‍ણાત છે.

૧૯૫૦ના દાયકામાં ભારતીય સિનેમાની શૈલી બદલાઈ. નવી પેઢીના કલાકારો, નવી વાર્તાઓ અને નવા પ્રકારની કોમેડી આવતાં ચાર્લીની માંગ ધીમે ધીમે ઘટવા લાગી. તેમ છતાં તેમના યોગદાનનું મહત્‍વ ઓછું થયું નહીં. આજે જ્‍યારે કોમેડિયનની ચર્ચા થાય છે ત્‍યારે એ યાદ રાખવું જરૂરી છે કે આ પરંપરાનો મજબૂત પાયો નૂર મોહમ્‍મદ ચાર્લી જેવા કલાકારોએ નાખ્‍યો હતો. તેમણે સાબિત કર્યું કે હાસ્‍ય એક ગંભીર કલા છે અને કોમેડિયન પણ ફિલ્‍મની સફળતાનો મુખ્‍ય આધાર બની શકે છે. ભારતીય ફિલ્‍મ ઇતિહાસકારો નૂર મોહમ્‍મદ ચાર્લીને ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્‍ટાર કોમેડિયન તરીકે યાદ કરે છે. તેમની કારકિર્દીએ સાબિત કર્યું કે પ્રતિભા, મહેનત અને અભિનયની નિષ્ઠા કલાકારને સમયથી આગળ લઈ જાય છે. દુર્ભાગ્‍યે, તેમની ઘણી ફિલ્‍મો આજે સંપૂર્ણ સ્‍વરૂપે ઉપલબ્‍ધ નથી. કેટલીક ફિલ્‍મોની પ્રિન્‍ટ નષ્ટ થઈ ગઈ છે અને કેટલીક માત્ર આર્કાઇવ્‍સમાં જ ઉપલબ્‍ધ છે. તેમ છતાં ઉપલબ્‍ધ ફોટોગ્રાફસ, ફિલ્‍મ સામયિકો, જાહેરાતો અને ઇતિહાસકારોના સંશોધન દ્વારા તેમની કારકિર્દીનું મહત્‍વ સ્‍પષ્ટપણે સમજાય છે. આજે જ્‍યારે ભારતીય સિનેમા પોતાના સો વર્ષથી વધુના ઇતિહાસની ઉજવણી કરે છે, ત્‍યારે નૂર મોહમ્‍મદ ‘ચાર્લી' જેવા કલાકારોને ફરી યાદ કરવાની જરૂર છે. તેમણે માત્ર લોકોને હસાવ્‍યા નહોતા પરંતુ ભારતીય ફિલ્‍મ ઉદ્યોગને એ સમજાવ્‍યું કે હાસ્‍ય પણ કલા છે, વ્‍યવસાય છે અને લોકપ્રિયતાનો શિખર સર કરી શકે છે. તેમની વારસાગાથા આજે પણ ભારતીય સિનેમાના સુવર્ણ અધ્‍યાયોમાં જીવંત છે. તેઓ માત્ર એક અભિનેતા નહોતા પરંતુ ભારતીય હાસ્‍ય અભિનયની એક એવી શાળા હતા જેના પ્રભાવની ઝાંખી આજના કોમેડિયનોના અભિનયમાં પણ જોવા મળે છે. સમય બદલાયો, ટેક્રોલોજી બદલાઈ, ફિલ્‍મોની ભાષા બદલાઈ પરંતુ નૂર મોહમ્‍મદ 'ચાર્લી'નું ઐતિહાસિક સ્‍થાન અડગ રહ્યું છે.

 

સૌથી વધુ મહેનતાણું મેળવનારા કોમેડિયન

તે સમયના ફિલ્‍મ વેપારના અહેવાલો અને ફિલ્‍મ ઇતિહાસકારોના સંશોધનો મુજબ નૂર મોહમ્‍મદ ચાર્લી પોતાના સમયના સૌથી વધુ મહેનતાણું મેળવનારા હાસ્‍ય કલાકારોમાં ગણાતા હતા. ઘણા નિર્માતાઓ ફિલ્‍મના પોસ્‍ટરમાં તેમનું નામ મુખ્‍ય કલાકારોની સાથે પ્રકાશિત કરતા. કેટલાક વિતરકો તો માત્ર ચાર્લીની હાજરીને આધારે ફિલ્‍મ ખરીદવા તૈયાર થઈ જતા. આ વાત એ સમયના ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ માનવામાં આવે છે. સહિત અનેક અગ્રણી સ્‍ટુડિયોમાં તેમણે કામ કર્યું. તે સમયના સ્‍ટુડિયો સિસ્‍ટમમાં કલાકારો લાંબા ગાળાના કરાર હેઠળ કામ કરતા. ફિલ્‍મીસ્‍તાને ભારતીય સિનેમાને અનેક લોકપ્રિય ફિલ્‍મો આપી અને તેમાં ચાર્લી જેવા કલાકારોનું યોગદાન મહત્‍વપૂર્ણ રહ્યું. તેઓ ઘણી વખત પોતાના સંવાદોમાં નાનાં ફેરફારો કરીને લ્લશ્‍ય વધુ અસરકારક બનાવતા. દિગ્‍દર્શકો તેમને ઇમ્‍પ્રોવાઇઝેશન કરવાની સંપૂર્ણ છૂટ આપતા. સેટ પર તેઓ હંમેશા સમયસર પહોંચતા. મેકઅપ પછી પણ અરીસાની સામે કલાકો સુધી ચહેરાની અભિવ્‍યક્‍તિનો અભ્‍યાસ કરતા. સામાન્‍ય જીવનમાં અત્‍યંત સાદગીપૂર્ણ અને વિનમ્ર સ્‍વભાવ ધરાવતા હતા. તે સમયના સિનેમા હોલોમાં તેમના લ્લશ્‍યો દરમિયાન દર્શકો તાળીઓ પાડતા, સિટીઓ વગાડતા અને ઘણી વખત સંવાદો યાદ રાખતા. ભારતીય ફિલ્‍મ ઉદ્યોગમાં કદાચ આ પ્રથમ પ્રસંગ હતો જ્‍યારે એક કોમેડિયનને સ્‍ટારનો દરજ્‍જો મળ્‍યો.

 પ્રશાંત બક્ષી

[email protected]

(2:48 PM IST)