<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ગુજસીટોકના ગુનામાં જામીન રદ થતાં ફરાર ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ભચાઉથી પકડાયો

૨૦ જેટલા ગુનાઓમાં સડોવણીઃ પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમે બાતમી પરથી પકડી થોરાળા પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૯: ગુજસીટોક ના ગુનામાં સંડોવાયેલ અને કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન રદ કરાતા નાસતા ફરતા આરોપીને કચ્છના ભચાઉ ખાતેથી પેરોલ ફરલો સ્કવોડે પકડી  લીધો છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ ઉર્ફે કરીમભાઈ રાઉમા (ઉ.વ.૩૫) સંડોવાયેલ હતો. આ કેસમાં કોર્ટે આરોપીના રેગ્યુલર જામીન રદ કરી તેની વિરૃધ્ધ ધરપકડનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. ધરપકડથી બચવા માટે આરોપી પોતાનું રહેઠાણ બદલી નાસતો ફરતો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને પોલીસ ઈન્સ્પેકટર કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.બી. ઘાસુરા તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે આરોપી હાલ ભચાઉ (જી. ગાંધીધામ) વિસ્તારમાં છુપાયેલો છે. ત્યાંથી તેને પકડી લીધો છે.

ઝડપાયેલ આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે લાલો વિરૃધ્ધે રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનો સહિત અન્ય જિલ્લાઓમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો હત્યા, હત્યાની કોશિષ, દારૃ, મારામારી, આર્મ્સ એકટ, રાયોટીંગ સહિતના ગુનાઓ છે. પીઆઇ કે.કે. ગોહિલ, પીએસઆઇ એસ.બી. ઘાસુરા તથા એ.એસ.આઈ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત અને કોન્સ્ટેબલ અમીનભાઇ, કુલદીપસિંહ જાડેજા,  શાંતુબેન મુળીયા તેમજ ડ્રાઈવર દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.

(3:37 PM IST)