તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
રાજકુમાર જાટ મોતના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો આદેશ : મોત પહેલાં નગ્ન હાલતમાં જોવા મળેલા CCTV મુદ્દે તપાસનો રીપોર્ટ સાયલન્ટ હોવાથી કોર્ટે તપાસનો આપ્યો હુકમ
અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો પરિવારનો આક્ષેપ : ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સંડોવણીનો આરોપ લગાવી કેસની સીબીઆઈ (CBI) તપાસની માગ સાથે પિતા સુપ્રીમ કોર્ટ સુધી લડવા કટિબદ્ધ

રાજકોટ: મોત પહેલાં રાજકુમાર જાટ રાજકોટ-અમદાવાદ હાઈવે પર નગ્ન અવસ્થામાં રખડતો નજરે પડ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં, પોલીસ દ્વારા રજૂ કરાયેલો તપાસ રિપોર્ટ આ મામલે મૌન સેવી રહ્યો છે. જેની ગંભીર નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટે ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ આકસ્મિક મોત કેસમાં સીસીટીવી મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે મૃતક કયા સંજોગોમાં અને શા માટે નગ્ન હાલતમાં રસ્તા પર ચાલતો હતો? આ સાથે જ કોર્ટે સરકારી વકીલ સામે પણ વેધક પ્રશ્નો પૂછ્યા હતા કે, બનાવ પહેલાં મૃતક અને શકમંદો એકબીજાને જાણતા હતા કે નહીં, તેમની વચ્ચે કોઈ જૂની દુશ્મનાવટ હતી કે કેમ, પિતા-પુત્ર બંને શકમંદોના ઘરે શા માટે ગયા હતા અને ત્યાં શું બન્યું હતું તે તમામ બાબતે સ્પષ્ટતા થવી જરૂરી છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, મૂળ રાજસ્થાનના અને છેલ્લા ૩૦ વર્ષથી ગોંડલમાં શ્રીજી પાંઉભાજી નામની દુકાન ચલાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ, જે યુપીએસસી (UPSC) ની તૈયારી કરી રહ્યો હતો, તે ૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ પોતાના ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. પરિવારજનોએ શોધખોળ બાદ ૫ માર્ચે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ગુમ થયાની અરજી આપી હતી. જોકે, ૪ માર્ચે રાત્રિના આશરે ૩ વાગ્યાના અરસામાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા એક રોડ અકસ્માતમાં રાજકુમારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ૯ માર્ચે પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરીને પીએમ વિધિ બાદ શવ સ્વીકાર્યું હતું.
તપાસ બાદ કુવાડવા પોલીસે આ આખી ઘટનાને માત્ર એક માર્ગ અકસ્માત દર્શાવી હતી, પરંતુ પરિવારજનો આ દાવો સ્વીકારવા તૈયાર નથી. તેમનો ગંભીર આક્ષેપ છે કે આ અકસ્માત નથી પણ કાવતરાપૂર્વક કરાયેલી હત્યા છે. પરિવારજનોએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર હત્યાનો સીધો આરોપ મૂકીને સ્થાનિક પોલીસ પર આરોપીઓને બચાવવાનો દાવો કર્યો છે, તેમજ કેસની નિષ્પક્ષ તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવાની માગ કરી છે. અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ૨ માર્ચના રોજ આરોપીના ઘરમાં રાજકુમારને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેના પિતાને પણ લાફા મારવામાં આવ્યા હતા. તે રાતથી જ રાજકુમાર ગાયબ હતો. પોતાના ઘરથી ૫૨ કિલોમીટર દૂર એક જ રાતમાં ચાલીને પહોંચવું અશક્ય છે અને સીસીટીવીમાં તે નગ્ન અવસ્થામાં ચાલતો દેખાય છે ત્યારે તેની પાછળ કેટલીક શંકાસ્પદ ગાડીઓ પીછો કરતી હતી. તેને મારીને લક્ઝરી બસ સામે ફેંકી દેવાયો હોવાની પરિવારને દ્રઢ શંકા છે.
મૃતકના શરીર પર ૪૨ જેટલી ઈજાના નિશાન હતા અને ગુદાના ભાગે પણ ગંભીર ઈજાઓ હતી, જે સામાન્ય અકસ્માતમાં થવી શક્ય નથી. વધુમાં, રાજકુમાર ઘરેથી મોબાઈલ વગર નીકળ્યો હતો અને તેના પહેલાં પહેરેલા કપડાં પણ ગાયબ છે. આ સિવાય, ગોંડલ પોલીસ મથકે નોંધાયેલી અરજીમાં ૧૧ ઇસમોના નામ સામે આવ્યા છે. આરોપી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટમાં ૩૧ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં તેણે માર મારવાના કે કાવતરાના આક્ષેપો નકાર્યા હતા, પરંતુ બસ ડ્રાઇવરની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવાનું કારણ ધરીને તેમનો નાર્કો ટેસ્ટ કરાયો નહોતો.
કેસની નિષ્પક્ષ તપાસ માટે હાઈકોર્ટના નિર્દેશથી તત્કાલીન સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી.પુરોહિતની ટીમને તપાસ સોંપાઈ હતી. સુરેન્દ્રનગર પોલીસે સીડીઆર (CDR), નાર્કો ટેસ્ટ અને સાહેદોના નિવેદનો સહિતની ટેકનિકલ તપાસ પૂરી કરીને ૭ મહિના પહેલા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે, આ રિપોર્ટમાં પણ બનાવને અકસ્માત દર્શાવવામાં આવ્યો છે અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં આવ્યો નથી. સરકારી વકીલે જણાવ્યું છે કે આ અંગેની ચાર્જશીટ અને તપાસના તમામ કાગળો ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઈલ કરવામાં આવશે અને મૃતકના પિતાને પણ તમામ દસ્તાવેજો આપવામાં આવશે.
બીજી તરફ, મૃતક યુવકના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ પોતાના પુત્રને ન્યાય અપાવવા માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈ લડશે અને આ કેસની નિષ્પક્ષ સીબીઆઈ તપાસ થાય તે માટે અડગ રહેશે.
(5:54 PM IST)










