<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

તહેવારોની સિઝનમાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય : રાજકોટ અને બરૌની વચ્ચે ખાસ ભાડા પર ચલાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના દ્વારા સ્પેશિયલ ટ્રેનના સંચાલનની જાહેરાત કરાઈ : તા. ૪ નવેમ્બરથી આઈઆરસીટીસી વેબસાઈટ અને રિઝર્વેશન સેન્ટરો પર બુકિંગ થશે શરૂ

રાજકોટ: આગામી તહેવારોની સિઝનમાં મુસાફરોની સતત વધી રહેલી માંગ અને સુવિધાને આગ્રહપૂર્વક ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અને બિહારના બરૌની વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ રહેશે:

ટ્રેન નંબર ૦૯૫૬૯/૦૯૫૭૦ રાજકોટ-બરૌની-રાજકોટ (સાપ્તાહિક) સ્પેશિયલ (કુલ ૪-૪ ફેરા)
૧. રાજકોટથી બરૌની (ટ્રેન નં. ૦૯૫૬૯): આ સ્પેશિયલ ટ્રેન તા. ૦૫ નવેમ્બર ૨૦૨૬ થી તા. ૨૬ નવેમ્બર ૨૦૨૬ સુધી દર ગુરુવારે રાજકોટ સ્ટેશનથી સાંજે ૧૭:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને પ્રવાસના ત્રીજા દિવસે સવારે ૦૯:૧૫ કલાકે બરૌની પહોંચશે.
૨. બરૌનીથી રાજકોટ (ટ્રેન નં. ૦૯૫૭૦): પરત દિશામાં આ ટ્રેન તા. ૦૭ નવેમ્બર ૨૦૨૬ થી તા. ૨૮ નવેમ્બર ૨૦૨૬ સુધી દર શનિવારે બરૌનીથી રાત્રે ૨૨:૦૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે ૧૪:૩૦ કલાકે રાજકોટ આવી પહોંચશે.

મુખ્ય સ્ટેશનો પર રહશે સ્ટોપેજ
આ ટ્રેન રૂટ દરમિયાન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પ્રયાગ જંક્શન, ફૂલપુર, જંઘઈ, જૌનપુર, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાણ કરશે. આ ટ્રેનમાં મુસાફરો માટે સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને અનરિઝર્વ્ડ (જનરલ) શ્રેણીના કોચ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૪ નવેમ્બરથી શરૂ થશે એડવાન્સ બુકિંગ:
ટ્રેન નંબર ૦૯૫૬૯ રાજકોટ-બરૌની સ્પેશિયલનું ટિકિટ બુકિંગ તા. ૪ નવેમ્બર, ૨૦૨૬ થી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ (PRS) તથા આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચ સંરચના સંબંધિત વધુ વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરોને રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જનસંપર્ક કાર્યાલય દ્વારા અપીલ કરવામાં આવી છે.

(7:23 PM IST)