<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

બે હાઇરાઇઝ એપાર્ટમેન્‍ટમાં ગેરકાયદે પાણી ચોરો ઝડપાયા : લાખ-લાખનો દંડ

પાણી ચોરી કરનાર સાવધાન : મનપા તંત્ર લાલઘૂમ : કણકોટ રોડના અક્ષર પ્રાઇઝ એપાર્ટમેન્‍ટ અને સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ વિસ્‍તારના સાનિધ્‍ય ગ્રીન એપાર્ટમેન્‍ટને વાલ્‍વ સાથે અનધિકૃત ચેડાં અને ગેરકાયદે પાણી વપરાશ મામલે કાર્યવાહી; દંડ ભર્યા બાદ જ પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાની ચેતવણી

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીના સમાન અને નિયમિત વિતરણ માટે હાથ ધરવામાં આવેલી ચકાસણી દરમિયાન વોર્ડ નં. ૧૧ વિસ્‍તારમાં આવેલા બે હાઇરાઇઝ એપાર્ટમેન્‍ટમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્‍યું હતું કે મહાનગરપાલિકા દ્વારા નિયમિત પાણી પુરવઠો આપવામાં આવતો હોવા છતાં કેટલાક રહીશો અને બિલ્‍ડીંગ સંચાલકો દ્વારા પૂર્વ મંજૂરી વિના પાણી સપ્‍લાય લાઇનના વાલ્‍વનું સંચાલન કરવામાં આવતું હતું તેમજ પાણીની ચોરી પણ કરવામાં આવતી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મનપાએ આ મામલાને ગંભીરતાથી લઈ અક્ષર પ્રાઈમ એપાર્ટમેન્‍ટ (કણકોટ પાટીયા રોડ) અને સાનિધ્‍ય ગ્રીન એપાર્ટમેન્‍ટ (સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ રોડ)ના પ્રમુખોને નોટિસ પાઠવી લાગુ નિયમો મુજબ રૂપિયા ૧-૧ લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ દંડની રકમ ભરપાઈ ન થાય ત્‍યાં સુધી પાણી પુરવઠો પુનઃ શરૂ નહીં કરવામાં આવે તેવી સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

નોટિસના અનુસંધાને બંને એપાર્ટમેન્‍ટોના પ્રમુખોએ મહાનગરપાલિકામાં રૂપિયા એક-એક લાખની દંડ રકમ જમા કરાવી દીધી છે. મનપાએ શહેરના નાગરિકોને ચેતવણી આપી છે કે પાણીની લાઇન, વાલ્‍વ કે અન્‍ય પુરવઠા વ્‍યવસ્‍થા સાથે અનધિકળત ચેડાં કરવાં, પાણીની ચોરી કરવી અથવા પાણી વિતરણમાં અવરોધ ઊભો કરવો ગંભીર અને દંડનીય ગુનો છે.

મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્‍યું છે કે ભવિષ્‍યમાં શહેરના કોઈપણ વિસ્‍તારમાં આવી ગેરકાયદેસર પ્રવળત્તિઓ ધ્‍યાને આવશે તો સંબંધિત વ્‍યક્‍તિઓ, સોસાયટીઓ અને સંસ્‍થાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

(3:02 PM IST)