<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ભૂદાન માટે ફાળવેલ ૧૦ કરોડની ૫ એકર જમીનનું ગેરકાયદેસર વેચાણઃ જમીન ખાલસા કરવા હુકમ

પ્રાંત અધીકારી હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા ચૂકાદોઃ લોધીકા મામલતદારને કબજો સંભાળવા આદેશો

રાજકોટ,તા. ૧૭: લોધિકા તાલુકાના પારડી ગામે આવેલી ભૂદાન યજ્ઞ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી નવી અને અવિભાજ્‍ય શરતની જમીનનું ગેરકાયદેસર વેચાણ અને તબદીલી કરવા બદલ અંદાજે રૂ.૧૦ કરોડની સરવે નં. ૪૩૬ની ૫ એકર જગ્‍યાની જમીન વિના વળતરે શ્રીસરકાર દાખલ કરવાનો રાજકોટ ગ્રામ્‍ય નાયબ કલેક્‍ટર હર્ષવર્ધન જાડેજાએ હુકમ કર્યો છે.

લોધિકાના પારડી ગામે ટભા આલાને ભૂદાન યજ્ઞ સમિતિ તરફથી જીવનનિર્વાહ અને જાતે ખેતી કરવા માટે ૫ એકર જમીન ફાળવવામાં આવી હતી. વારસાઈ હક્ક મુજબ આ જમીન તેમના વારસદાર હરેશભાઈ મુળજીભાઈના નામે ચડી હતી. નિયમ મુજબ ભૂદાનની જમીન વેચી શકાતી નથી કે ભાગે-સાથે ખેડવા આપી શકાતી નથી. તેમ છતાં, હરેશભાઈ મુળજીભાઈ દ્વારા વર્ષ ૨૦૦૭ અને ૨૦૦૮ દરમિયાન રાજકોટના પ્રવીણભાઈ લાલજીભાઈ કનેરિયા, હંસાબેન પ્રવીણભાઈ કનેરિયા, ચીમનભાઈ વાઘજીભાઈ બેરા, નર્મદાબેન ચીમનભાઈ બેરા, જીતેશકુમાર બેરા અને પાર્થ કનેરિયાની તરફેણમાં જમીન ખેડવાના કરાર, કુલમુખત્‍યારનામા, વીલ અને રજિસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજ કરી આપ્‍યા હતા.

નાયબ કલેક્‍ટરની કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન સામાવાળાઓ તરફથી સિવિલ કોર્ટના હુકમનામા અને મહેસૂલી અધિકાર ક્ષેત્રની દલીલો રજૂ કરવામાં આવી હતી, પરંતુ નાયબ કલેક્‍ટર હર્ષવર્ધન જાડેજાએ નોંધ્‍યું હતું કે, ભૂદાનની જમીનના કાયદાની છટકબારીનો લાભ લેવા માટે વીલ અને સમાધાન હુકમનામાનો સહારો લેવામાં આવ્‍યો છે. સરકારના પરિપત્ર મુજબ ભૂદાનની જમીનનું વેચાણ કે તબદીલી થઈ શકે નહીં. આથી, શરતભંગ સાબિત માનીને જમીનનો કબજો તાત્‍કાલિક અસરથી સરકાર હસ્‍તક સંભાળી લેવા લોધિકા મામલતદારને આદેશ અપાયો છે.

(4:04 PM IST)