તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ઉમિયા ચોક વિસ્તારમાં ગેરકાયદે પાંચ કાર મેળા અને બે ગેરેજના બાંધકામોનો કડુસલોઃ ૧૫૦ કરોડની જમીન ખુલ્લી
વોર્ડ ૧૨. મવડી ટી.પી ૨૧ (ફાઇનલ)માં આશરે ૧૦ હજાર ચો.મી. ટાઉન પ્લાનિંગ પ્લોટમાં ખડકાયેલ કાર મેળા અને ગેરેજ ધારકો કોર્ટમાં હારી જતા વેસ્ટઝોનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જગ્યા ખુલ્લી કરાવવા અને ડિમોલેશન હાથ ધરાયુ હતુ

રાજકોટ, તા.૧૪: સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ડિમોલિશનની કામગીરી મર્યાદિત રહેતી હોય છે. તેમ છતાં આજે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખાએ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે ફોર્ચ્યુન હોટલ સામે ટીપી સ્કીમ નં. ૨૧ (મવડી) ફાઈનલના કોમર્શિયલ વેચાણ હેતુના અનામત પ્લોટ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન પાંચ કાર મેળા અને બે ગેરેજ પર બુલડોઝર ફેરવીને આશરે ૧૦ હજાર ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી. બજાર કિંમત મુજબ આ જમીનની કિંમત અંદાજે રૂ. ૧૫૦ કરોડ હોવાનું મનાય છે.
આ અંગે મનપાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, વોર્ડ નં. ૧૨ વિસ્તારમાં ટીપી સ્કીમ નં. ૨૧ (મવડી) ફાઈનલના ફાઈનલ પ્લોટ નં. ૧૮/એ, ૧૮/બી, ૨૫/એ, ૨૬/એ અને ૪૩/એ પર ઘણા વર્ષોથી ગેરકાયદે પાંચ કાર મેળા અને બે ગેરેજ ઉભા કરવામાં આવ્યા હતા. ટીપી સ્કીમ અમલમાં આવ્યા બાદ કોર્પોરેશને આશરે આઠ મહિના પહેલાં દબાણો દૂર કરવા નોટિસો ફટકારી હતી.
નોટિસ સામે અસરગ્રસ્તોએ અદાલતનો દરવાજા ખખડાવ્યા જેના કારણે કાર્યવાહી અટકી હતી. જોકે તાજેતરમાં કોર્ટે કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપતાં દબાણ દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો હતો. ત્યારબાદ વેસ્ટઝોન ટાઉન પ્લાનિંગ શાખાએ અસરગ્રસ્તોને અંતિમ તક આપી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા સૂચના આપી હતી.
આજે સવારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખા ઉપરાંત દબાણ હટાવ શાખા, રોશની શાખા તથા વીજિલન્સ શાખાનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત પણ હાજર રહ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.
(2:56 PM IST)










