<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

દુકાન ચાલુ રાખવી હોય તો રૂપિયા દેવા પડશે...અમુલ સર્કલ પાસે ચા-પાનના વેપારીને ધમકાવી ૪ શખ્‍સોએ ખંડણી પડાવી

વેપારી જયેશભાઇ કવાતર માતાજીના માંડવામાં ગયા ત્‍યારે ભાણેજ દુકાને બેઠો હોઇ મોહિત ઉર્ફે બન્‍ની, અજય, હિતેન ઢબો અને સુજલે આવી મતોડફોડ કરીઃ પછી વેપારી જયેશભાઇને આંબેડકરનગરમાં સમાધાન માટે બોલાવી નાણા પડાવ્‍યાઃ ફરિયાદ કરે તો મારી નાંખવાની ધમકી દીધીઃ બીજા દિવસે પણ દુકાને ડખ્‍ખો કરી જતાં અંતે થોરાળા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો

 

મોહિત ઉર્ફે બન્‍નીએ ધમકી દીધી-અગાઉ  પણ મર્ડર કેસમાં જેલમાં ગયો હતો, તારું મર્ડર કરતાં વાર નહિ લાગેઃ ડરી ગયેલા વેપારીએ રોકડા ન હોઇ ઓનલાઇન રૂપિયા ટ્રાન્‍સફર કરી દીધા

રાજકોટ તા. ૨૭: શહેરમાં અસામાજિક તત્ત્વો અવાર-નવાર કોઇને કોઇ વિસ્‍તારમાં લખણ ઝળકાવતા રહે છે.  ભાવનગર રોડ પર આવેલી એક પાનની દુકાનને નિશાન બનાવી માથાભારે શખ્‍સોએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ડિજિટલ ખંડણી વસુલ કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. અગાઉ મર્ડર કેસમાં જેલની હવા ખાઈ ચુકેલા શખ્‍સે પોતાના સાગરીતો સાથે મળીને વેપારીની દુકાનમાં તોડફોડ કરી, ઓનલાઈન પેટીએમ મારફતે પૈસા પડાવ્‍યા હતા અને વેપારીના ભાણેજને બેરહેમીથી માર માર્યો હતો.

આ બનાવમાં થોરાળા પોલીસે ભાવનગર રોડ આજીડેમ ચોકડી જૈન દેરાસરની પાછળ સોમનાથ સોસાયટી-૧માં રહેતાં અને ૮૦ ફુટ રોડ અમુલ સર્કલ નજીક સરવૈયા હોલ  પાસે મોમાઇ પાન એન્‍ડ ટી સ્‍ટોલ નામે દૂકાન ચલાવતાં જયેશભાઇ ઉર્ફે લાલો ઇન્‍દુભાઇ કવાતર-ભરવાડ (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી મોહિત ઉર્ફે બની સુરેશભાઇ પરમાર, અજય કિરીટભાઇ ગોહેલ, હિતેન ઉર્ફે ઢબો કિરીટભાઇ ગોહેલ અને સુજલ સંજયભાઇ બથવાર વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. જયેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે  ૨૪-૫ના રાતે તે નજીકમાં મેલડી માતાજીના માંડવાના કામમાં ગયા હતા, ત્‍યારે દુકાને તેમનો ભાણેજ કિશનભાઈ રઘાભાઈ ડાભી હાજર હતો.

આ વખતે રાત્રે સાડા બારેક વાગ્‍યે મોહિત ઉર્ફે બની સુરેશભાઈ પરમાર નામનો શખ્‍સ દુકાને ધસી આવ્‍યો હતો અને કિશન સાથે ગાળાગાળી કરી દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્‍યું હતું. મોહિતે ધમકી આપી હતી કે-જો અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે. દુકાનમાં તોડફોડ કર્યા બાદ જતો રહ્યો હતો અને ફરીથી રાત્રે આશરે ત્રણેક વાગ્‍યે આરોપી મોહિતે વેપારી જયેશભાઈને ફોન કરીને આંબેડકરનગર શેરી નં. ૧૩ના ખુણે ગરીમા પાનની દુકાને સમાધાન કરવા માટે બોલાવ્‍યા હતા. જેથી જયેશભાઈ, તેમનો ભાણેજ કિશન અને પડોશી દુકાનદાર અર્જુનભાઈ ડાંગર ત્‍યાં પહોંચ્‍યા હતા. ત્‍યાં આરોપી મોહિત ઉર્ફે બની સાથે અજય ગોહેલ, હિતેન ઉર્ફે ઢબો ગોહેલ અને સુજલ  બથવાર હાજર હતા. ત્‍યાં પહોંચતા જ મોહિતે જયેશભાઈ પાસે ૧૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જયેશભાઈએ રોકડા રૂપિયા ન હોવાનું કહેતા જ મોહિતે ઉશ્‍કેરાઈને ધમકી આપી હતી કે-હું અગાઉ પણ મર્ડરના કેસમાં જેલમાં ગયેલ છું અને તારું પણ મર્ડર કરતા મને વાર નહીં લાગે, તું મને રૂપિયા આપ.

આથી વેપારી જયેશભાઇ ગભરાઈ જતાં આરોપીઓએ પોતાની યુપીઆઇ આડી આપી હતી, જેથી જયેશભાઈએ પોતાના મોબાઈલની પેટીએમ એપ્‍લિકેશનમાંથી રાજેશકુમાર મુછડીયા નામની આઇડી પર ૧૨૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્‍સફર કરી આપ્‍યા હતા. પૈસા પડાવ્‍યા બાદ પણ આ શખ્‍સો અટકયા નહોતા અને વેપારી અને તેના સાથીદારો સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી હતી. મોહિતે કિશનને પકડી રાખ્‍યો હતો અને બાકીના શખ્‍સોએ તેને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. વચ્‍ચે છોડાવવા પડેલા જયેશભાઈ અને અર્જુનભાઈ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. જતાં-જતાં આરોપીઓએ ધમકી આપી હતી કે-જો તમે પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા જશો તો તમને જાનથી મારી નાખીશું. આ ધમકીના કારણે ભયભીત થયેલો પરિવાર હોસ્‍પિટલ કે પોલીસ સ્‍ટેશન જવાની હિંમત કરી શકયો નહોતો.

આ પછી બીજા દિવસે એટલે કે તા. ૨૫-૫ના રોજ બપોરે દોઢેક વાગ્‍યે કિશન દુકાને હાજર હતો ત્‍યારે મોહિત ઉર્ફે બની ફરી પાછો ત્‍યાં ધસી આવ્‍યો હતો અને કિશન સાથે બોલાચાલી-ઝઘડો કરી, ફાવે તેમ ગાળો આપીને ચાલ્‍યો ગયો હતો. આ શખ્‍સોના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે હિંમત ભેગી કરી વેપારી જયેશભાઈ, તેમનો ભાણેજ કિશન અને પરિવારના સભ્‍યો થોરાળા પોલીસ સ્‍ટેશને પહોંચતા પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્‍સ. એ. જે. ભાલીયાએ ચારેય વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમે આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી હતી. વેપારીના કહેવા મુજબ મોહિત ઉર્ફે બન્‍ની મર્ડર કેસમાં હાલ જામીન પર છે. અગાઉ પણ તેના વિરૂધ્‍ધ ઘણા ગુના છે. પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(2:58 PM IST)