<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

તું મારા આ મિત્ર સાથે રહીશ તો તારી જિંદગી બગડશે...મિત્રની પ્રેમિકાને દિપક સોલંકીએ લગ્નની લાલચ દઇ વારંવાર દેહ પીંખ્‍યો

પતિ સાથે છુટાછેડા બાદ ત્રણ સંતાનની માતા મૈત્રીકરાર કરીને રહેતી હતીઃ આ પ્રેમીના મિત્રએ લાગણીની જાળ બિછાવી ફસાવી લીધી : દોઢ વર્ષ સુધી શોષણ કર્યા બાદ લગ્નની ના પાડી દીધીઃ ચુનારાવાડના શખ્‍સ સામે મહિલાની આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૧: લગ્નની લાલચ આપીને મહિલાઓનું શોષણ કરવાના કિસ્‍સાઓ સતત વધી રહ્યા છે. આવો જ વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. પ્રથમ પતિથી છુટાછેડા લીધા બાદ ત્રણ સંતાન સાથે મહિલા એક શખ્‍સ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હોઇ આ શખસના જ મિત્રએ અવાર-નવાર ઘરે આવતો હોઇ આ મહિલાને તું આની સાથે રહીશ તો તારી જિંદગી બગડી જશે, મારી સાથે લગ્ન કરી લે, હું તને અને તારા સંતાનોનો સાચવી લઇશ તેમ કહી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી દેહસંબંધ બાંધ્‍યે રાખી છેલ્લે લગ્નની ના પાડી દેતાં મહિલાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં મુળ સુરેન્‍દ્રનગર પંથકની અને હાલ રાજકોટ રહેતી ૩૧ વર્ષની મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ચુનારાવાડમાં રહેતાં દિપક રામજીભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર મહિલા ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ તેમના પહેલા લગ્ન સુરેન્‍દ્રનગર પંથકમાં થયા હતાં. આ લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાન થયા હતાં. જો કે ત્રણેક વર્ષ પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ જતાં ત્રણેય સંતાને હાલ તેણીની સાથે રહે છે.

છૂટાછેડા બાદ તેણીએ આજથી આશરે દોઢ વર્ષ પહેલાં સુરેશ નામના શખ્‍સ સાથે મૈત્રી કરાર કર્યા હતાં અને સાથે રહેતાં હતાં.  આ દરમિયાન જાન્‍યુઆરી-૨૦૨૫માં સુરેશનો મિત્ર દિપક રામજીભાઈ સોલંકી (રહે. ચુનારાવાડ, રાજકોટ) અવારનવાર તેમના ઘરે આવતો હતો. આ અવરજવર દરમિયાન દિપક અને આ મહિલા વચ્‍ચે વાતચીત શરૂ થઈ અને બંને વચ્‍ચે મિત્રતા થઈ ગઈ હતી.

ત્‍યારબાદ દિપકે તેણીની મજબુરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. તેણે આ મહિલાને ભોળવીને કહ્યું હતું કે જો તું આ સુરેશ સાથે રહીશ તો તારી જિંદગી બગડી જશે. તું મારી સાથે લગ્ન કરી લે, હું તને અને તારા ત્રણેય સંતાનને સારી રીતે રાખીશ અને સાચવીશ.  દિપકની આ વાતોમાં આવીને તેણીએ  સુરેશ સાથેના મૈત્રી કરારનો અંત આણ્‍યો હતો અને તેઓ દિપક સોલંકી સાથે ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.

આ પછી દિપક અવારનવાર લગ્ન કરી લેવાની ખાતરી આપીને તેણીની મરજી વિરૂધ્‍ધ કે લાલચ આપીને શારીરિક સંબંધ બાંધતો હતો. શરૂઆતમાં બધુ ઠીક ચાલ્‍યુ હતું પરંતુ જ્‍યારે આ મહિલાએ લગ્ન કરી લેવા દિપકને દબાણ કર્યુ ત્‍યારે દિપકે-આપણે બંને સાથે જ તો રહીએ છીએ, થોડા સમય પછી ધામધૂમથી લગ્ન કરી લઈશું. આમ લગ્નની ખોટી લાલચ આપીને દીપકે છેલ્લા દોઢ વર્ષથી મહિલા સાથે દેહ સંબંધ બાંધ્‍યા હતાં. છેલ્લે દિપકે લગ્ન કરવાની ના પાડી દેતાં અંતે તેણીએ પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(2:52 PM IST)