<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

તું આ છોકરા સાથે બોલીશ કે સગાઇ કરીશ તો બંનેને મારી નાંખીશઃ યુવતિને પુર્વ મિત્રની ધમકી

યુવતિ પોતાની સગાઇ જેની સાથે થવાની છે એ યુવાનની સાથે સગાને ત્‍યાં આવી ત્‍યારે પુર્વ મિત્ર આર્યન ચોૈહાણે ધમાલ મચાવીઃ છરીથી કારના દરવાઓમાં નુકસાન પણ કર્યુઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: શહેરના ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ પાછળ એક યુવતી પોતાની સગાઇ જેની સાથ ેથવાની છે તે યુવાન સાથે હતી ત્‍યારે તેણીના પુર્વ મિત્રએ તેણીને આંતરી તું કેમ આ ગાડીવાળા સાથે જાય છે? તેમ કહી ગાળો દઇ છરી કાઢી કારના કાચમાં ઘા મારી નુકસાન કરી તેમજ જો તું આની સાથે બોલીશ કે સગાઇ કરીશ તો તને અને આ તારી સાથેના શખ્‍સ એમ બંનેને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ રીંગ રોડ વિસ્‍તારમાં રહેતી ૨૨ વર્ષની યુવતિની ફરિયાદને આધારે ગાંધીગ્રામ મેઇન રોડ નાણાવટી ચોકમાં રહેતાં આર્યન મનિષભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. રવિવારે સાંજે સાડા આઠેક વાગ્‍યે હું મારા ભાભીના ઘરે ગઇ હતી. મારી સગાઇ જેની સાથે થવાની છે એ યુવક પણ અહિ મળવા આવ્‍યો હતો. બાદમાં અમે અહિ રાતના સાડા અગીયાર સુધી બેઠા હતાં. એ પછી મને ઘરે  મુકવા આવવા માટે જેનીસાથે મારી સગાઇની વાત ચાલે છે એ યુવાન નજીકમાં પાર્ક કરેલી કાર લેવા ગયો હતો.

હું ધરમનગર ક્‍વાર્ટર પાસે ઉભી હતી ત્‍યારે અગાઉ મારે જેની સાથે મિત્રતા હતી એ આર્યન ચોૈહાણ આવ્‍યો હતો અને મને કહેવા માંડયો હતો કે-તું કેમ આ છોકરા સાથે જાય છે? જેથી મેં કહેલું કે મારી તેની સાથે સગાઇ થવાની છ, તું મને  આજ પછી બોલાવતો નહિ. આ સાંભળી આર્યન ઉશ્‍કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડયો હતો. એટલી વારમાં મારી જેની સાથે સગાઇ થવાની છે એ યુવાન કાર લઇને આવી જતાં આર્યને ઉશ્‍કેરાઇ જઇ કારના દરવાજામાં છરીના ઘા મારવાનું ચાલુ કર્યુ હતું.

આ રીતે તેણે કારમાં નુકસાની કરી હતી. આ પછી મારી સાથેનો યુવાન તેની કાર લઇને જતો રહ્યો હતો. બાદમાં પણ આર્યને મને ધમકી આપી હતી કે જો તું આની સાથે બોલીશ કે સગાઇ કરીશ તો તને અને આ યુવાન એમ બંનેને જાનથી મારી નાંખીશ. મેં ઘરે જઇને મારા માતા-પિતાને વાત કરી હતી. તેમણે ફરિયાદ નોંધાવવાનું કહેતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં એએસઆઇ જે. એચ. જાડેજાએ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી.

(3:52 PM IST)