તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
બાંધકામની સાઇટ બંધ નહિ કરો તો ટાંટીયા ભાંગી જશે, જીવતા પાછા નહિ જાવઃ પિતા-પુત્રને ધમકી
કોઠારીયામાં રામેશ્વર ગોલ્ડ ટુ સાઇટ પર બોરના કામ વખતે ધુળ ઉડતાં પાડોશીઓની બબાલ સોહમભાઇ અને તેના પિતા કિશોરભાઇ ટીંબલીયા સાથે મારામારી-ગાળાગાળીઃ ભીમજીભાઇના પત્નિ, જય પટેલના પત્નિ, અક્ષય જોષી અને મોહિત સાપરીયા વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: કોઠારીયા ગામ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર મકાન માટે બોરવેલનું કામ ચાલુ હતું તે દરમિયાન ધુળ ઉડવાની બાબતે પાડોશમાં રહેતાં મહિલાઓ સહિતનાએ ઉશ્કેરાઇ જઇ બાંધકામના ધંધાર્થી પિતા-પુત્ર સાથે ગાળાગાળી અને મારા મારી કરી તેમજ જો કામ બંધ નહિ કરો તો જીવતા ઘરે નહિ જઇ શકો, ટાંટીયા ભાંગી જશે એવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ જુના સુભાષનગર-૩ બગીચાની સામે રામેશ્વર ડેરીની બાજુમાં રહેતાં અને કન્સ્ટ્રકશનનો ધંધો કરતાં સોહમભાઇ કિશોરભાઇ ટીંબલીયા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ભીમજીભાઇ સગપરીયાના પત્નિ, અક્ષય જોષી, મોહિત સાપરીયા અને જય પટેલના પત્નિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સોહમભાઇ પરિવાર સાથે રહે છે અને તેના પિતા પણ તેની સાથે કન્સ્ટ્રકશનનું કામ સંભાળે છે. ફરિયાદમાં જણાવાયું છે કે સોહમભાઇ અને તેમના પિતા કિશોરભાઇકોઠારીયા ગામમાં લાખા છપ્પર હનુમાન મંદિરની પાછળ આવેલી ‘રામેશ્વર ગોલ્ડ' કન્સ્ટ્રક્શન સાઇટ પર હતા ત્યારે અહિ બોરવેલનું કામ ચાલુ હતું. ધુળ ન ઉડે તે માટે સાઇટ પર પાણી છાંટવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાજુની શેરીમાંથી કેટલીક મહિલાઓ ત્યાં આવી પહોંચી હતી અને ધુળ ઉડવા અંગે વિરોધ દર્શાવ્યો હતો.
આથી કિશોરભાઈએ તેમને શાંતિથી સમજાવતા કહ્યું હતું કે-પાણી છાંટવાનું ચાલુ જ છે અને જો તમારા મકાનમાં ધુળ ઉડી હશે તો હું માણસો મોકલીને સાફ કરાવી આપીશ. આ સાંભળી ભીમજીભાઈ સગપરીયાના પત્નિ ઉશ્કેરાઈ ગયા હતા અને ૅકામ બંધ કરી નાખો, નહીતર તમારા ટાંટિયા ભાંગી નાખશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અક્ષય જોશી અને મોહિત સાપરીયા નામના શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ પણ ઉગ્ર થઈને કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરવા દબાણ કર્યું હતું અને જો બોર બનાવવાનું કામ ચાલુ રાખશો તો તમે ઘરે જીવતા પાછા નહીં જઈ શકો તેવી ધમકી આપી હતી.
જ્યારે કિશોરભાઇ માથાકુટ કરી રહેલા અક્ષય જોશીને સમજાવવા ગયા ત્યારે અક્ષયએ તેમની સાથે ઝગડો કરી ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા આ બધા ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જતી વખતે જય પટેલના પત્નિએ પણ ફરીવાર કામ ચાલુ કરશો તો જોવા જેવી થશ તેવી ધમકી આપી હતી. આ બનાવથી ગભરાઈ ગયેલા પિતા-પુત્ર તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈ શકયા નહોતા. બાદમા સોહમભાઇએ આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. અજયસિંહ ગોહિલે ગુનો દાખલ કર્યો હતો.
(3:27 PM IST)










