તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
નર્મદાનીર બંધ રાખ્યું તો દિવાળી પહેલાં જ રાજકોટના નળ સુકાઈ જશે!
આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં માત્ર ૧૯થી ૨૦ દિવસનો જ જળજથ્થોઃ બે-ચાર દિવસમાં નર્મદાનીર છોડવામાં નહીં આવે તો તહેવારોમાં પાણી કાપ કે વિતરણ ખોરવાવાની પૂરી શકયતાઃ ૨૪ દિવસથી ‘સૌની'નું પાણી બંધ છતાં તંત્ર નિંદ્રાધીન

રાજકોટ ,તા.૨૦: શહેરના મુખ્ય જળષાોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ગત તા.૨૬ સપ્ટેમ્બરથી ‘સૌની યોજના' હેઠળ નર્મદાનીર ઠાલવવાનું બંધ છે. આજે ૨૪ દિવસ વીતી ગયા છતાં પાણી આપવાનું ફરી શરૂ ન થતાં રાજકોટવાસીઓની દિવાળી પાણી વગર બગડે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. હવે જો આગામી બે-ચાર દિવસમાં નર્મદાનીર છોડવામાં નહીં આવે તો દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન પાણી વિતરણ ખોરવાશે અથવા પાણીકાપ લાદવો પડે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
નર્મદા કેનાલના મેન્ટેનન્સના કારણે ‘સૌની યોજના'નું પાણી બંધ કરવામાં આવ્યું હતું. જોકે, મેન્ટેનન્સના નામે ૨૪ દિવસથી રાજકોટના બંને ડેમમાં નર્મદાનીરનું એક ટીપું પણ પહોંચ્યું નથી. બીજી તરફ શહેરમાં દૈનિક ૨૦ મિનિટની પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાંથી રાબેતા મુજબ પાણી ઉપાડવાનું ચાલુ છે. પરિણામે બંને ડેમનો જળજથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.
આજથી માત્ર ૧૯ દિવસ બાદ, તા.૮ નવેમ્બરે દિવાળી છે અને બંને ડેમમાં મહત્તમ ૨૦ દિવસ સુધી ચાલે એટલું જ પાણી બચ્યું છે. દિવાળીના દિવસોમાં સફાઈ સહિતના કારણોસર પાણીની માગ અને વપરાશ સામાન્ય દિવસોની સરખામણીએ વધી જાય છે. આવી સ્થિતિમાં હાલનો જળજથ્થો જાળવીને શહેરમાં નિયમિત પાણી વિતરણ કરવું મહાનગરપાલિકા માટે મોટો પડકાર બની શકે છે. જો નર્મદાનીર નહીં મળે તો ૨૦ દિવસ બાદ આજી-૧ અને ન્યારી-૧ ડેમનું તળિયું દેખાવાની શકયતા છે.
આજી-૧ અને ન્યારી-૧
૨૫ લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરનો મુખ્ય આધાર આજી-૧ અને ન્યારી-૧ ડેમ ઉપર છે. આજી-૧ ડેમની કુલ ઊંડાઈ ૨૯ ફૂટ છે, જ્યારે હાલ તેની જળસપાટી માત્ર ૨૦.૯૦ ફૂટ નોંધાઈ છે. ન્યારી-૧ ડેમની કુલ ઊંડાઈ ૨૫.૧૦ ફૂટ છે અને હાલ તેમાં ૧૫.૯૦ ફૂટ પાણી છે. બંને ડેમમાંથી દૈનિક પાણી વિતરણ માટે થતો ઉપાડ ધ્યાનમાં લેવામાં આવે તો ઉપલબ્ધ જળજથ્થો માંડ દિવાળી સુધી ચાલી શકે તેમ છે.
ભાદરનો જથ્થો પણ જાન્યુઆરી સુધી મર્યાદિત
રાજકોટને ભાદર-૧ ડેમમાંથી પણ મર્યાદિત માત્રામાં પાણી આપવામાં આવે છે. જોકે, તેમાં પણ શહેરને જાન્યુઆરી સુધી આપી શકાય એટલો જ જળજથ્થો હોવાનું જાણવા મળે છે. તેથી આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં તાત્કાલિક નર્મદાનીર ઠાલવ્યા સિવાય તંત્ર પાસે લાંબા સમય સુધી નિયમિત પાણી વિતરણ જાળવવાનો કોઈ નક્કર વિકલ્પ દેખાતો નથી.
તંત્ર જાગશે કે તહેવારોમાં રાજકોટ તરસશે?
સૌની યોજનાનું પાણી કયારે ફરી શરૂ થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે તંત્ર પાસે નિર્ણય લેવા માટે ગણતરીના દિવસો જ બચ્યા છે. જો તાત્કાલિક નર્મદાનીર છોડવામાં નહીં આવે તો દિવાળી અથવા નૂતન વર્ષના દિવસે જ રાજકોટના અનેક વિસ્તારોના નળમાં પાણી ન આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્રની વધુ ઢીલાશનો ભોગ આખા રાજકોટને બનવું પડે તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.
(2:44 PM IST)










