<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ગણી ન શકાય એટલી ગોળીઓ મારી દેવી છે...ધમકીથી સાહિલ ચાનીયાએ ફિનાઇલ પીધું

ગેરકાયદે હથીયારના ગુનામાં નામ ખુલતાં એસઓજી ભરતને શોધી રહી છે રેલનગરનો પાનનો ધંધાર્થી સાહિલ ચાનીયા સારવારમાં: જુના મિત્ર ભરત કુગશીયાએ જુના મનદુઃખને લીધે દુકાને આવી ડખ્‍ખો કર્યાનો આક્ષેપઃ ખરેખર શું બન્‍યું તેની તપાસ

રાજકોટ તા. ૧૪: શહેરના રેલનગરમાં રહેતાં અને પાનની દુકાન ચલાવતાં યુવાનને તેના જ જુના મિત્ર અને એસઓજી જેને ગેરકાયદે હથીયારના ગુનામાં શોધી રહી છે તેવા ભરત કુગશીયા અને તેના સાગ્રીતે ધમકી આપતાં ફિનાઇલ પી જતાં સારવાર માટે દાખલ થયો છે. આ યુવાન પોતાની પાનની દુકાને નહોતો અને તેના મોટા બાપુ હાજર હતાં ત્‍યારે આ શખ્‍સે દુકાને આવીને  ક્‍યાં ગ્‍યો તારો ભત્રીજો? એને તો હવે ગણી નહિ શકાય એટલી ગોળીઓ મારી દઇશ...તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે ખરેખર શું બન્‍યું તેની તપાસ હાથ ધરી છ.ે

રેલનગર ઘનશ્‍યામ રેસીડેન્‍સી સામે રહેતો સાહિલ સમીરભાઇ ચાનીયા (ઉ.વ.૨૧) નામનો યુવાન સવારે સાડા પાંચેક વાગ્‍યે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. સાહિલ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ છે. તેના પિતા હયાત નથી. પોતે ઘર પાસે પાનની દુકાન ચલાવે છે.

સાહિલે જણાવ્‍યું હતું કે આજથી ત્રણેક વર્ષ પહેલા મારે અને પોપટપરાના ભરત કુગશીયાને મિત્રતા હતી. એ પછી તે વખતે અમારી વચ્‍ચે માથાકુટ થતાં સામ-સામે ફરિયાદ થઇ હતી. જો કે બાદમાં તેનું સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ હવે ભરતે અચાનક જુના મનદુઃખનો ખાર રાખી ફરી ડખ્‍ખો કર્યો હતો. પર દિવસે સવારે હું ઘરે હતો અને મારા મોટા બાપુ સલિમભાઇ ચાનીયા દુકાને હતાં ત્‍યારે ભરત આવ્‍યો હતો અને ‘સાહિલ ક્‍યાં છે, બોલાવો એને' તેમ કહી મારા મોટા બાપુ સાથે ગાળાગાળી કરી હતી અને સાહિલને ગણી ન શકાય એટલી ગોળીઓ મારી દેવી છે તેવી ધમકી આપી જતો રહ્યો હતો. બાદમાં ગત રાતે ભરતના સાગ્રીત હરેશે પણ મને ફોન કરીને ધમકી આપી તું ક્‍યાં છો? તેમ પુછીને ડરાવતાં મેં સવારે ગભરાઇને ફિનાઇલ પી લીધી હતી. તેમ વધુમાં સાહિલે કહ્યું હોઇ પોલીસે આ ઘટનામાં ખરેખર શું બન્‍યું તેની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં  જામનગર રોડ નાગેશ્વરના રસ્‍તે સર્વિસ સ્‍ટેશનમા ફાયરીંગ કરી હત્‍યાની કોશિષનો ગુનો બન્‍યો તેમાં સામેલ રામદેવ ડાંગર હસ્‍તકના ચાર ગેરકાયદેસર હથીયાર-દેશી પિસ્‍તોલ જપ્‍ત થયા છે. આ હથીયારમાં ભરત કુગશીયાનું નામ ખુલ્‍યું હોઇ એસઓજી તેને શોધી રહી છે ત્‍યારે તેણે ધમકી આપ્‍યાના આક્ષેપ સાથે યુવાન ફિનાઇલ પી જતાં ચર્ચા જાગી છે.

(3:55 PM IST)