News of Wednesday, 22nd April 2026
મિત્રને ફોન કરી કહ્યું હું ખાણમાં પડુ છું, મિત્રો પહોંચ્યા ત્યાં નજર સામે જ ઠેંકડો માર્યોઃ ચુનારાવાડના રોહિતનો આપઘાત
ચુનારાવાડ સિતારામ સોસાયટીના ૨૧ વર્ષના યુવાનના પગલાથી પરિવારમાં કલ્પાંતઃ ચાર મહિના પહેલા જ છોટુનગર પાસેની ઝુપડપટ્ટીમાં રહેતી યુવતિ સાથે સગાઇ થઇ હતીઃ મગજ ભમતો હોવાથી પગલુ ભર્યાની શક્યતા આજીડેમ રામવન પાસે બનાવઃ હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૨: ચુનારાવાડ નજીક સિતારામ સોસાયટીમાં રહેતાં અને બકાલુ વેંચવા સાથે છુટક મજૂરી કરતાં યુવાને આજીડેમ ચોકડી નજીક રામવન પાસે ખાણમાં પડતું મુકી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બકાલાની રિક્ષા લઇ રામવન પાસે પહોંચી મિત્રને ફોન કરી પોતે ખાણમાં પડી રહ્યાની વાત કરતાં ત્રણ-ચાર મિત્રો ત્યાં પહોંચ્યા હતાં. પણ તેની નજર સામે જ તેણે ઠેંકડો મારી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ રાજમોતી મીલ પાછળ સિતારામ સોસાયટીમાં રહેતાં રોહિત બાબુભાઇ કલાડીયા-દેવીપૂજક (ઉ.વ.૨૧) નામના યુવાને ગત રાતે આજીડેમ ચોકડી નજીક રામવનના રસ્તા પર આવેલી ખાણમાં પડતું મુકી આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી રમેશભાઇ મારફત થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. તેજલપાલસિંહ જે. સરવૈયા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે મૃતદેહ બહાર કાઢતાં પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ આપઘાત કરનાર રોહિત બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો અને બકાલાની ફેરી કરવા સાથે છુટક મજૂરી કરતો હતો. તેના સગાના કહેવા મુજબ રોહિતની સગાઇ ચાર મહિના પહેલા હનુમાન મઢી પાસે છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતી યુવતિ સાથે થઇ હતી. ગત રાતે દસેક વાગ્યે રોહિત બકાલાની રિક્ષા લઇને નીકળ્યો હતો. એ પછી તેણે એક મિત્રને પોતે રામવન પાસેની ખાણમાં કૂદીને આપઘાત કરી રહ્યો છે તેવી જાણ કરતાં આ મિત્ર પોતાની સાથે બીજા બે ત્રણ મિત્રોને લઇને ત્યાં પહોંચ્યો હતો.
એ વખતે દૂરથી રોહિતને ખાણ પાસે જોતાં જ તેને બૂમો પાડી ખાણીથી પાછળ આવી જવા સમજાવ્યો હતો. એક મિત્રએ દોટ મુકી તેને પકડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બધાની નજર સામે જ તે કૂદી જતાં ડુબી જવાથી મોત થયું હતું. કેટલાક સમયથી મગજ ભમતો હોઇ આ પગલુ ભર્યાની શક્યતા છે. યુવાન દિકરાના મોતથી કલાડીાય પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(2:56 PM IST)










