તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
હું ભાવેશ કારેણા જાતે સ્યુસાઇડ નોટ લખું છું...દેણામાં આવી જતાં પગલુ ભરૂ છું: ચિઠ્ઠી લખી વેપારીનો આપઘાત
સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં ફરસાણના વેપારી બે દિવસ પહેલા ગૂમ થયાઃ ગત સાંજે ઝેર પી ઘરે આવ્યા અને સારવારમાં દમ તોડયો : પરિવારે ૪ વખત દેણુ ચુકવ્યું છતાં પોતે સુધર્યા નહિ હોવાનો પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: શહેરના સામા કાંઠે સંત કબીર રોડ પરની સોસાયટીમાં રહેતાં અને આ વિસ્તારમાં જ ફરસાણની દૂકાન ચલાવતાં વેપારી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ ગત સાંજે ઝેર પી ઘરે આવતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આપઘાત પુર્વે તેમણે એક ચિઠ્ઠી લખી હતી જેમાં લખ્યું છે કે-હું ભાવેશભાઇ કારેણા જાતે જ સ્યુસાઇડ નોટ લખુ છું, હું દેવામાં (દેણામાં) આવી જતાં આ પગલુ ભરુ છું. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૧માં રહેતાં ભાવેશભાઇ જીવરાજભાઇ કારેણા-સગર (ઉ.વ.૩૬) સાંજે સાડા સાતેક વાગ્યે બહારથી ઘરે આવી ઉલ્ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ તપાસ કરતાં તેઓ ઝેરી દવા પીને આવ્યાનું જણાતાં તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર ભાવેશભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં નાના હતાં. તેને સંતાનમાં એક દિકરો છે. પરિવારજનોના કહેવા મુજબ ભાવેશભાઇ પેડક રોડ પર ભગીરથ ગાંઠીયા નામે ફરસાણની દુકાનમાં બેસી વેપાર કરતાં હતાં. ૨૮મીએ તે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં અમે પોલીસને ગૂમ થયાની જાણ કરી હતી. અમે અને પોલીસે ભાવેશભાઇની શોધખોળ ચાલુ કરી હતી ત્યાં ગત સાંજે ભાવેશભાઇ બહારથી ઝેરી દવા પી ઘરે આવ્યા હતાં અને સારવારમાં મૃત્યુ થયું હતું.
ભાવેશભાઇ પાસેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેમણે લખ્યું છે કે-હું ભાવેશભાઇ જીવરાજભાઇ કારેણા હું પોતે આ સ્યુસાઇડ નોટ લખુ છું, આમા મારા પરિવાર તેમજ સગા સંબંધીને કોઇ જાણ નથી, તો મારા પરિવારને પુછપરછ કરી હેરાન કરવા નહિ. હું જાતે સ્વીકારુ છું કે આ સ્યુસાઇડ દેવામાં (દેણામાં) આવી જવાથી કરુ છું. કેમ કે મારા પરિવારે ૪ વખત મારુ દેવુ ભર્યુ છે. છતાં હું સુધર્યો નહિ. એટલે હવે હું કંટાળીને આ પગલુ ભરુ છું, તો આમાં મારા પરિવારને હેરાન કરવા નહિ. લી. ભાવેશ જે. કારેણા. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી દેણુ કયા કારણોસર થઇ ગયું હતું? કોઇ ઉઘરાણી માટે હેરાન કરતું હતું કે કેમ? તે સહિતની વિશેષ તપાસ યથાવત રાખી છે. બનાવથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.
(2:41 PM IST)










