News of Saturday, 1st August 2026
લગ્નના થોડા દિવસમાં જ પતિએ ત્રાસ ચાલુ કર્યોઃ સગર્ભાવસ્થામાં ઘર બહાર કાઢી મુકી
પિયરેથી પૈસા લઇ આવવા વારંવાર ઝઘડો કરાતો હતોઃ લક્ષ્મીવાડીમાં માવતરે રહેતી સ્વીટીબેનની સોમનાથ સોસાયટીમાં રહેતાં પતિ જયેશ જલુ વિરૂધધ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧: શહેરના લક્ષ્મીવાડી મેઈન રોડ પર હાલ માવતરે રહેતી પરિણીતાએ કોઠારીયા નજીક સોમનાથ સોસાયટીમાં રહેતાં પતિ વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દેવા અંગે ફરિયાદ નોંધાવી છે. એક વખત પરિણીતાના પિતાની તબીયત સારી ન હોઇ ત્યાં જવું હોઇ પતિએ ગુસ્સે થઇ તેણી સગર્ભા હોવા છતાં ઘરમાંથી કાઢી મુકી હતી. તેણીની તબીયત ખરાબ હોય તો પણ લઇ જતાં ન હોવાનો આરોપ મુકાયો છે.
આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા લક્ષ્મીવાડી મેઇન રોડ ગુંદાવાડી-૮ના ખુણે સાગર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫ ખાતે રહેતી સ્વીટીબેન જયેશભાઇ જલુ (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી તેણીના પતિ કોઠારીયા રણુજા મંદિર પાસે સોમનાથ-૨માં રહેતાં જયેશ કાનાભાઇ જલુ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. સ્વીટીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન તા. ૧૮/૦૨/૨૦૨૩ ના રોજ ડેડુકા તા. કુતિયાણાના વતની અને હાલ ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા જયેશ કાનાભાઈ જલુ સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનથી તેમને બે વર્ષનો પુત્ર છે. લગ્ન બાદ શરૂઆતમાં સોમનાથ શેરી નં. ૨, ક્રિષ્ના ચોક, રણુજા મંદિરની પાછળ રાજકોટ ખાતે સંયુક્ત પરિવારમાં રહેતાં હતા. લગ્નના થોડા સમય બાદ જ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
લગ્ન સમયે રાજકોટ જ રહેવાની બોલી થઈ હોવા છતાં પતિ અવારનવાર સાસુની બીમારીનું બહાનું કાઢીને તેણીને ડેડુકા ગામે લઈ જતો હતો. ત્યાં સાસુ દ્વારા વહુ કોઈ કામ કરતી નથી તેવી કાનભંભેરણી કરવામાં આવતી, જેના લીધે પતિ અવારનવાર ઝઘડા કરતા હતા. જ્યારે સ્વીટીબેનના પિતાની તબિયત લથડતા અને તેઓ એકના એક સંતાન હોવાથી ઘરે જવાનું કહેતા, બે મહિનાની પ્રેગ્નન્સી હોવા છતાં પતિએ તેણી સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બસ સ્ટેશન પર સગાસંબંધીઓએ સમજાવવા પ્રયાસ કરતા પતિએ જાહેરમાં ઝઘડો કર્યો હતો.
વડીલોના મધ્યસ્થતાથી સમાધાન થયા બાદ રાજકોટ ખાતે ફરી રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ પતિ ઘરમાં કોઈ આર્થિક ખર્ચ આપતા નહોતા અને ઘરવખરી કે દવાખાનાના ખર્ચ માટે તારી માતાના ઘરેથી લઈ આવ કહી મેણાં-ટોણાં મારતા હતા. પ્રેગ્નન્સી દરમિયાન તબિયત ખરાબ હોવા છતાં હોસ્પિટલ લઈ જવાની ના પાડતા હતા અને ઘરે એકલી મુકીને ૧૫-૧૫ દિવસ સુધી પતિ ગામડે જતા રહેતા હતા. એક તબક્કે પતિએ હાથચાલાકી અને મારપીટ કરતા પરિણીતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. તે સમયે કાઉન્સેલિંગ બાદ સમાધાન થયું હતું. બાદમાં વર્ષ ૨૦૨૩ માં રક્ષાબંધનના તહેવાર પર પિયર આવ્યા બાદ પતિ કે સાસરિયાંમાંથી કોઈ તેડવા આવ્યું નહોતું. પરિણીતાએ સમાધાન માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી કાઉન્સેલિંગ કરાવ્યું હતું, પરંતુ પતિએ સમાધાન સ્વીકાર્યું નહોતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સ્વીટીબેને પુત્રને જન્મ આપ્યો ત્યારે તમામ હોસ્પિટલ અને બાળકના ઉછેરનો ખર્ચ તેમની માતાએ ભોગવ્યો હતો. સાસરિયાં તરફથી બાળકની સંભાળ કે ખબર-અંતર પણ પૂછવામાં આવ્યા નહોતા. જેથી પરિણીતાએ કોર્ટમાં ભરણપોષણ તથા ડોમેસ્ટિક વાયલન્સનો કેસ દાખલ કર્યો છે, જે હાલ અદાલતમાં વિચારાધીન છે. કોર્ટના મીડિયેશન (મધ્યસ્થતા) સેન્ટરમાં પણ પતિએ સમાધાન કરવાની ના પાડી દેતા આખરે ફરિયાદ કરી હતી. પીઆઇ એસ. બી. બુટીયાની રાહબરીમાં હેડકોન્સ. એ. ડી. રેથળીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:33 PM IST)










