તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ઋત્વિક રોશન રાજકોટમાં : એરપોર્ટ અને કાલાવડ રોડ ઉપર ચાહકો ઉમટી પડયા

રાજકોટ તા. ૨૪ : ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર ઋત્વિક રોશન આજે રાજકોટનો મહેમાન બન્યો હતો. મુંબઇથી રાજકોટ આવતા એરપોર્ટ અને કાલાવડ રોડ ઉપર જ્યાં તે એક ખાનગી સમારોહમાં આવ્યો હતો ત્યાં તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી.
બોલીવુડનો હેન્ડસમ અભિનેતા અને ડાન્સર એવા ઋત્વિક રોશનના રાજકોટ આવ્યાના અહેવાલો પ્રસારિત થયા બાદ તેના નિહાળવા માટે હિરાસર એરપોર્ટ ઉપર તેના ચાહકો ઉમટી પડયા હતા. તેને ત્યાં ચાહકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. રાજકોટ આવ્યા બાદ તે સીધો કાલાવડ રોડ પર એક જ્વેલરી શો-રૂમના ઉદ્ઘાટનમાં ગયો હતો ત્યાં પણ મોટી સંખ્યામાં યુવા વર્ગ ઉમટી પડયું હતું. કહોના પ્યાર હે... થી લઇને વોર અને ફાઇટર જેવી ફિલ્મો થકી કરોડો લોકોના દિલ ઉપર રાજ કરતો ઋત્વિક રોશન હેન્ડસમ હોવાથી યુવતિ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. કાલાવડ રોડ ઉપર વોકહાર્ટ હોસ્પિટલ નજીક તે જ્યાં આવ્યો હતો ત્યાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઋત્વિક રોશન બપોર બાદ ચાર્ટર્ડ વિમાન દ્વારા મુંબઇ પરત ફર્યો હતો.
(3:20 PM IST)










