તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
વરસાદી પડકારોનો સામનો કરવા ફાયર વિભાગ કેટલો તૈયાર?
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ, ફરિયાદ, પાણીના નિકાલની લીધી જાણકારીઃ તમામ ફાયર સ્ટેશનોને સ્ટેન્ડબાય રાખી સાધનસામગ્રી સજ્જ રાખવા સૂચના

રાજકોટ, તા. ર૪: મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાએ ગુરુવારે મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત લઈ શહેરમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદ, વળક્ષ ધરાશાયી થવાના બનાવો, વરસાદી પાણીના નિકાલ, ઇમરજન્સી કોલ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ ફાયર ટેન્ડર, ડિવોટરિંગ પંપ, રેસ્કયુ બોટ સહિતના સાધનો તેમજ માનવબળની તૈયારીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે તમામ ફાયર સ્ટેશનોને ૨૪ કલાક સ્ટેન્ડબાય રાખવા અને તમામ સાધનસામગ્રી કાર્યરત સ્થિતિમાં જાળવી રાખવા સૂચના આપવામાં આવી હતી.
પરેશ પીપળિયાએ શહેરના તમામ ઝોનમાં સતત મોનિટરિંગ રાખવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સુવિધા જાળવવા રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણપણે સજ્જ છે અને દરેક પરિસ્થિતિમાં ઝડપી રાહત કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
(2:45 PM IST)










