<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પાણી કેવુ આવે છે! તુષાર સુમેરાનું ઓચિંતુ ચેકીંગ

ઘરે-ઘરે પાણીની ગુણવત્તાની ચકાસણી કરતા મ્‍યુનિ.કમિશનર

રાજકોટ, તા. ૩૦: શહેરમાં શુદ્ધ અને સલામત પીવાનું પાણી મળી રહે તે માટે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે સવારે વોર્ડ નં. ૭માં પાણી વિતરણ સમયે ઘરે-ઘરે જઈ પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. તેમણે સ્‍થળ પર જ પાણીનો ફોર્સ, રેસિડ્‍યુઅલ ક્‍લોરીન અને pHનું પ્રમાણ તપાસ્‍યું હતું.

BISના ધારાધોરણ મુજબ પીવાના પાણીમાં રેસિડ્‍યુઅલ ક્‍લોરીન ૦.૨થી ૦.૫ PPM અને pH મૂલ્‍ય ૬.૫થી ૮.૫ વચ્‍ચે હોવું જરૂરી છે. ક્‍લોરીનની તપાસ OT ટેસ્‍ટ કિટ અને pHની તપાસ ડિજિટલ મીટર દ્વારા કરવામાં આવી હતી.

યોગ્‍ય ક્‍લોરીનેશનથી કોલેરા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ અને ઝાડા-ઉલટી જેવા પાણીજન્‍ય રોગોને અટકાવવામાં મદદ મળે છે. મનપાએ નાગરિકોને પાણીની ટાંકી નિયમિત સાફ કરવા, ઢાંકીને રાખવા અને આસપાસ સ્‍વચ્‍છતા જાળવવા અપીલ કરી છે.

પાણી શુદ્ધિકરણ પ્‍લાન્‍ટમાંથી નીકળ્‍યા બાદ પાઇપલાઇન મારફતે નાગરિકોના ઘર સુધી પહોંચે છે. આ દરમિયાન પાઇપલાઇનમાં સંભવિત લીકેજ કે પ્રદૂષણની સ્‍થિતિમાં પાણીમાં રહેલું રેસિડ્‍યુઅલ ક્‍લોરીન પાણીજન્‍ય જીવાણુઓ સામે રક્ષણ પૂરું પાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.

યોગ્‍ય ક્‍લોરીનેશન દ્વારા કોલેરા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ-A/E તેમજ ઝાડા-ઉલટી જેવા પાણીજન્‍ય રોગોના ફેલાવાને અટકાવવામાં મદદ મળે છે. તેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીની ગુણવત્તા તથા ક્‍લોરીનેશનની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, પીવાના પાણીની ટાંકી નિયમિત રીતે સાફ રાખવી તેમજ તેને હંમેશા ઢાંકીને રાખવી. પાણીની ટાંકી, ઘરેલુ પાણીના સંગ્રહસ્‍થાન તથા પાણીની આસપાસ સ્‍વચ્‍છતા જાળવવાથી પણ પાણીજન્‍ય રોગોથી બચવામાં મહત્‍વપૂર્ણ મદદ મળી શકે છે.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ગુણવત્તા, ક્‍લોરીનેશન અને અન્‍ય જરૂરી પરિમાણોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

(3:31 PM IST)