તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
મનપામાં ૩ સપ્ટેમ્બરે યોજાયેલ આવાસ ફાળવણીનો ડ્રો રદ્દઃ ખળભળાટ
નિયમ મુજબ તમામ અરજદારોને ડ્રોમાં સામેલ કરવાને બદલે સીધી આવાસ ફાળવણી કરાયાની ફરિયાદઃ મેયર ડો. નેહલ શુકલે તપાસ બાદ પ્રક્રિયા રદ કરાવી

રાજકોટ તા.૧૭: મહાનગરપાલિકાની આવાસ યોજનામાં ફાળવણીને લઈને ફરી એક વખત વિવાદના વમળ સર્જાયા છે. ગત ૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ૪૪૫ આવાસની ફાળવણીની પ્રક્રિયા અંગે શંકા ઊભી થતાં શાસકો દ્વારા સમગ્ર ડ્રો રદ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા શીતળા સાતમના દિવસે બે અલગ-અલગ આવાસ યોજનાઓમાં ખાલી પડેલા ૧૬૫ આવાસોની ફાળવણી માટે હાથ ધરાયેલી ડ્રો પ્રક્રિયા આખરે રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કુલ ૪૪૫ અરજીઓ આવી હોવા છતાં નિયમાનુસાર તમામ અરજદારોને સામેલ કરીને લાભાર્થી પસંદગીનો ડ્રો કરવાને બદલે સીધા ૧૬૫ લાભાર્થીઓને આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાયાની ફરિયાદ મેયર ડો. નેહલ શુકલ સુધી પહોંચ્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જંગલેશ્વર ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારો તેમજ લલુડી વોકળી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આવાસ ફાળવવા માટે મનપાએ અરજીઓ મંગાવી હતી. સોરઠિયાવાડી સર્કલ નજીક આવેલી તાંટિયા ટોપે ટાઉનશિપ અને વોર્ડ નં. ૬ના ગોકુલનગર વિસ્તારમાં આવેલી રવિશંકર મહારાજ ટાઉનશિપમાં ખાલી પડેલા કુલ ૧૬૫ આવાસ માટે ૪૪૫ અરજીઓ મળી હતી.
આવાસ ફાળવણીની સામાન્ય પ્રક્રિયા મુજબ લાયક અરજદારોને સામેલ કરીને પ્રથમ લાભાર્થીઓની પસંદગી માટે ડ્રો અને ત્યારબાદ પસંદ થયેલા લાભાર્થીઓને આવાસ નંબર ફાળવવા માટે અલગ ડ્રો થતો હોવાનું જણાવાય છે. જોકે શીતળા સાતમના દિવસે યોજાયેલી પ્રક્રિયામાં સીધા જ ૧૬૫ આવાસની ફાળવણી માટે ડ્રો કરી દેવાયો હોવાની ફરિયાદ ઊઠી હતી. આ મામલો મેયર સુધી પહોંચતાં પ્રથમ એક સપ્તાહ સુધી આવાસની અંતિમ ફાળવણી અટકાવવાની સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ડ્રો પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
આ મામલે કેટલાક સ્થાનિક કોર્પોરેટરો તરફથી પણ રજૂઆતો થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત અરજી કરનારાઓ તરફથી ફાળવણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો સામે આવી હતી. આ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ડ્રો રદ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે ડ્રો રદ કરવાના ચોક્કસ કારણો અંગે મનપાનું સત્તાવાર વિગતવાર નિવેદન સામે આવે ત્યારે સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
આવાસ ફાળવણીના કેટલાક અરજદારો કોર્ટમાં ગયા હોવાની પણ ચર્ચા છે. આવા અરજદારોની સંખ્યા આશરે ૪૨ હોવાનું જણાવાય છે. જોકે અદાલતે તેમને તાત્કાલિક આવાસ ફાળવી દેવાનો હુકમ કર્યો હતો કે કેમ તે અંગે સત્તાવાર દસ્તાવેજી વિગતો સ્પષ્ટ નથી. આથી કોર્ટ કેસના કારણે જ ઉતાવળે ડ્રો યોજાયો હતો તે બાબત પણ હાલ ચર્ચાનો વિષય બની છે.
મહિલા કોર્પોરેટરના નામે આવાસ? ફરિયાદની તપાસ
રાજકોટઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક મહિલા કોર્પોરેટરના નામે કાલાવડ રોડ વિસ્તારમાં આવાસ હોવાની ફરિયાદ મેયર ડો. નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા સુધી પહોંચી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આવાસ યોજનામાં લાભાર્થીની આવક અને પરિવારના નામે અન્ય રહેણાંક મિલકત છે કે નહીં તે સહિતના પાત્રતાના નિયમો લાગુ પડતા હોય છે. ત્યારે સંબંધિત નગરસેવિકા અથવા તેમના પરિવારની મિલકતો તથા આવાસની ફાળવણી વખતે તેમની પાત્રતા શું હતી તે અંગે તપાસ કરવાની માંગ ઊઠી છે. આ ફરિયાદ સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવા મેયર દ્વારા તપાસની સૂચના અપાઈ હોવાનું જાણવા મળે છે.
(3:41 PM IST)










