News of Wednesday, 25th November 2026
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઠેરઠેર કલાકોનો ટ્રાફિકજામઃ ત્રણ કલાકનું અંતર કાપતા પાંચથી સાત કલાક લાગે છે!
છેલ્લા આઠ વર્ષથી નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું હોવા છતાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં: માલિયાસણ અને કુવાડવા પાસે કામગીરીના કારણે વાહનચાલકોની હાલાકી વધીઃ ૨-૨ કિલોમીટરના તબક્કામાં મોડી રાત્રે કામગીરી કરવા અને ત્રણ જિલ્લાના પોલીસ વિભાગો વચ્ચે સંકલન કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ તા.૨૫: રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલી નેશનલ હાઇવેની કામગીરી વચ્ચે તંત્રના અણઘડ આયોજનને કારણે સામાન્ય વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને માલિયાસણ અને કુવાડવા પાસે ચાલી રહેલી કામગીરી અને આખા હાઇવે પર રોડ સરફેસ લેયરની કામગીરીના કારણે રોડની એક સાઇડ બંધ કરી દેવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. પરિસ્થિતિ એવી છે કે રાજકોટથી અમદાવાદ વચ્ચે સામાન્ય સંજોગોમાં આશરે ત્રણ કલાકમાં કાપી શકાય તેવું અંતર પૂર્ણ કરવા માટે વાહનચાલકોને પાંચથી સાત સાત કલાક સુધી રસ્તા ઉપર વિતાવવાની નોબત આવી રહી છે.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન અશોકસિંહ વાઘેલા ,ઝોનલ પ્રવક્તા વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત સહિત આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના રાજકોટ સર્કલના અધિક્ષક ઇજનેર સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે છેલ્લા અનેક દિવસોથી હાઇવે ઉપર ચાલી રહેલી સમારકામની કામગીરીના કારણે દિવસ-રાત ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. એક તરફ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ વાહનવ્યવહારનું યોગ્ય આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ અને મુસાફરોની હાલાકી- ટ્રાફિકજામ માત્ર સમયનો બગાડ નથી, પરંતુ અનેક લોકો માટે ગંભીર મુશ્કેલી બની રહ્યો છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ જાય તો દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવો મુશ્કેલ બને છે. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાય છે. રાજકોટ અને અમદાવાદ એરપોર્ટ જવા નીકળતા મુસાફરોને સમયસર એરપોર્ટ ન પહોંચતાં ફ્લાઇટ ચૂકી જવાની નોબત આવે છે. નોકરીયાત વર્ગ, વેપારીઓ અને રોજિંદા મુસાફરોનો કિંમતી સમય પણ બરબાદ થઈ રહ્યો છે.
કોન્ટ્રાક્ટરની મનમાની
નહીં, વ્યવસ્થિત
આયોજનથી કામ કરો
રસ્તાનું સમારકામ જરૂરી છે અને વિકાસકાર્યોનું કોંગ્રેસ સ્વાગત કરે છે, પરંતુ સમારકામના નામે વાહનવ્યવહાર ખોરવાય તે યોગ્ય નથી. કોન્ટ્રાક્ટર કંપનીને એકસાથે લાંબા અંતર સુધી રસ્તાની સાઇડ બંધ કરીને કામગીરી કરવાને બદલે માત્ર ૨-૨ કિલોમીટરના તબક્કામાં કામ કરવાની સૂચના આપવામાં આવે. એક તબક્કાનું કામ પૂર્ણ કરીને માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યા બાદ જ આગળના તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવે.
દિવસના ટ્રાફિકને બદલે
મોડી રાત્રે સમારકામ કરો
હાઇવે ઉપર દિવસ દરમિયાન વાહનોની અવરજવરનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે શકય હોય ત્યાં સુધી સમારકામની કામગીરી મોડી રાત્રે, ટ્રાફિકનું ભારણ ઓછું હોય તેવા સમયે કરવામાં આવે. રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ, રિફ્લેક્ટર, બેરિકેડિંગ અને સુરક્ષાની વ્યવસ્થા જાળવવામાં આવે. આટલું આયોજન કરવામાં આવે તો વાહનચાલકોને પડતી હાલાકી ઘટાડી શકાય છે.
ત્રણ જિલ્લાના પોલીસ વિભાગો વચ્ચે સંકલન કેમ નહીં?-
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન થાય તે માટે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગો તથા ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલન કરવામાં આવે. કામગીરીના સ્થળોએ પૂરતો પોલીસ સ્ટાફ અને ટ્રાફિક વોર્ડન તૈનાત કરવામાં આવે. એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે, જેથી ઇમરજન્સી સેવાઓ અટવાઈ ન પડે.
ઓવરબ્રિજની લાઇટો બંધ, અકસ્માતનું જોખમ વધ્યું
હાઇવે ઉપરના ઓવરબ્રિજ પરની લાઇટો બંધ હોવાની સમસ્યા પણ ગંભીર છે. રાત્રિના સમયે અંધારાના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી જાય છે. સંબંધિત તંત્ર દ્વારા તમામ ઓવરબ્રિજની લાઇટો તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને માર્ગ ઉપર પૂરતી પ્રકાશ વ્યવસ્થા સુનિヘતિ કરવામાં આવે.
કોંગ્રેસના અગ્રણીઓ વીડિયો રૂપે પુરાવાઓ આપી વધુમાં માંગણી કરી છે કે નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, સંબંધિત કોન્ટ્રાક્ટર કંપનીઓ તથા ત્રણેય જિલ્લાના પોલીસ વિભાગો વચ્ચે સંકલન કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવે. કામગીરી કઈ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, તે પૂર્ણ કરવાની સમયમર્યાદા શું છે અને કામગીરીમાં વિલંબ માટે જવાબદાર કોણ છે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે.
કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રસ્તાનું કામ અટકાવ્યા વગર જનતાની હાલાકી અટકાવવામાં આવે. વિકાસનાં કામો થાય તે આવકાર્ય છે, પરંતુ વિકાસના નામે નાગરિકોનો સમય, સુરક્ષા અને સુવિધા ભોગે ચઢાવી શકાય નહીં. તંત્રએ તાત્કાલિક અસરથી વ્યવસ્થિત આયોજન કરી રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યામાંથી વાહનચાલકોને મુક્તિ અપાવવી જોઈએ.
આ રજૂઆતમાં કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ અશોકસિંહ વાઘેલા ,કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત ,યુવા કોંગ્રેસના જીત સોની,રોનક રવૈયા ,મૌલેશ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
(3:12 PM IST)










