News of Sunday, 3rd May 2026
રાજકોટમાં આકરી લૂ સાથે ‘હોટ’ રવિવાર: ૪૧.૨ ડિગ્રીએ આકરો તાપ અને પવનના સુસવાટા
બપોરે ૨:૩૦ વાગ્યે આકરો મિજાજ: ધગધગતા રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ

રાજકોટ: રંગિલું શહેર રાજકોટ અત્યારે ગરમીના પ્રકોપ હેઠળ શેકાઈ રહ્યું છે. આજે બપોરના સમયે સૂર્યનારાયણે આકરો મિજાજ બતાવતા શહેરનું તાપમાન ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માત્ર તાપ જ નહીં, પરંતુ સાથોસાથ પ્રતિ કલાક ૨૨ કિમીની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ શહેરીજનોને અકળાવી દીધા હતા.
બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ થયો હતો. પવનની ગતિ ૨૨ કિમીની હોવા છતાં તેમાં ઠંડકને બદલે 'લૂ'નું પ્રમાણ વધુ જણાતું હતું. આ આકરા તાપ અને પવનના સંગમને કારણે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની હતી.
કાળઝાળ ગરમીને પગલે રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં બપોરના સમયે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા છે.
(2:51 PM IST)










