તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
શાપરથી ત્રણ દિવસ પહેલા ગૂમ થયેલા હિતેષભાઇ ગજેરાની અરડોઇમાં મિત્રની વાડીમાં ઝાડમાં લટકતી લાશ મળી
મિત્ર વાડીએ પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થઇઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૪: શાપર વેરાવળમાં રહેતાં અને પાનની દુકાન ચલાવતાં વેપારી ત્રણ દિવસ પહેલા ગૂમ થયા બાદ આજે અરડોઇ ગામે તેમના મિત્રની વાડીમાં ઝાડમાં લટકતી તેમની લાશ મળીઅ ાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ શાપર પરફેક્ટ હોટલ પાછળ રહેતાં હિતેષભાઇ રતુભાઇ ગજેરા (ઉ.વ.૪૮) ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા હતાં. પરિવારજનો સતત શોધખોળ કરતાં હતા પણ પત્તો મળી રહ્યો નહોતો. અંતે પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન હિતેષભાઇના મિત્ર કે જે અરડોઇ ગામે રહે છે તે આજે પોતાની વાડીએ જતાં ત્યાં મિત્ર હિતેષભાઇની ઝાડમાં લટકતી લાશ જોતાં તેઓ અવાચક થઇ ગયા હતાં. હિતેષભાઇના પરિવારજનો અને પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી હતી અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. હિતેષભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. બનાવ આપઘાતનો છે કે અન્ય કંઇ બન્યું? તેની તપાસ કોટડાસાંગાણી પોલીસ કરી રહી છે.
(3:28 PM IST)










