તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
એસબીઆઇ જનરલ ઇન્સ્યુરન્સ ઓફિસમાં બ્રાંચ મેનેજર હિતેન્દ્રસિંહ ગોહિલનું હૃદય બેસી જતાં મૃત્યુ
કેકેવી હોલ પાસે ઓફિસમાં બનાવઃ સારવારમાં ખસેડયા પણ જીવ ન બચ્યોઃ પરિવારજનો, સાથી કર્મીઓમાં કલ્પાંત મુળ ભાવનગર ઘોઘાના બાડી ગામના વતની૩૮ વર્ષિય યુવાન જામનગર રોડ સત્યમ્ શિવમ્ સુંદરમ્ સોસાયટીમાં રહેતાં હતાં: બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૫: હૃદય રોગના હુમલાની ઘટનાઓ સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન આધારસ્તંભનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રેલનગરમાં રહેતાં ૩૮ વર્ષિય યુવાન કેકેવી હોલ નજીક એસબીઆઇ જનરલ ઇન્સ્યુરન્સ ઓફિસ ખાતે બ્રાંચ મેનેજરની ફરજ પર હતાં ત્યારે છાતીમાં દુઃખાવો શરૂ થયા બાદ સારવારમાં ખસેડાતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર સત્યમ્ શિવમ્ સુંદરમ્ સોસાયટી ખાતે રહેતાં હિતેન્દ્રસિંહ મહાવીરસિંહ ગોહિલ (ઉ.વ.૩૮) સાંજે સાડા સાતેક વાગ્યે કેકેવી હોલ ચોક પાસે બીઝનેસ એવન્યુ-૩ ખાતે એસબીઆઇ જનરલ ઇન્સ્યુરન્સની ઓફિસ ખાતે હતાં ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થતાં સાથી કર્મચારીઓએ તુરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં.
ત્યાંથી બેભાન હાલતમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હિતેન્દ્રસિંહ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ મુળ ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી ગામના વતની હતાં. એસબીઆઇ જનરલ ઇન્સ્યુરન્સમાં તેઓ બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. આ બનાવથી ગોહિલ પરિવાર અને સાથી અધિકારીઓ, કર્મચારીઓમાં ગમગીની વ્યાપી ગઇ છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
જામનગર રોડ પર શશીકાંત અગ્રાવતનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ
બીજા બનાવમાં ઘંટેશ્વર જલારામ ફૂડ કોર્ટ નજીક રહેતાં શશીકાંતભાઇ હરજીવનદાસ અગ્રાવત (ઉ.વ.૬૩) નામના વૃધ્ધ ઘરે હતા ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇગયો હતો. મૃત્યુ પામનાર શશીકાંતભાઇ છ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરા છે. તેમને કમરનો દુઃખાવો રહેતો હતો. યુનિવર્સિટી પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(12:10 PM IST)










