News of Saturday, 21st November 2026
હિટ એન્ડ રનઃ બાઇક સાથે ઉભેલા રેલનગરના બે મિત્રો દેવ અને રાકેશને વાહનની ઠોકરે ગંભીર ઇજા
ખોખડદળ ખાતે બંધવાળા મેલડી માતાના મંદિરે જતાં હતાં: આજીડેમ ચોકડીએ બનાવ

રાજકોટ તા. ૨૧: આજીડેમ ચોકડીએ હિટ એન્ડ રનના બનાવમાં રેલનગરમાં રહેતાં બે મિત્રોને ગંભીર ઇજા થઇ છે. બંને મિત્રો ખોખડદળ પાસે બંધવાળા મેલડી માતાજીના મંદિરે તુલસી વિવાહ સહિતના કાર્યક્રમો યોજાયા હોઇ ત્યાં દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે આજીડેમ ચોકડીએ પોતાના ટુવ્હીલર સાથે ઉભા હતાં તે વખતે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર લાલ બહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતો દેવ મનસુખભાઇ વનાળીયા (ઉ.વ.૧૯) ગત રાતે સાડા દસેક વાગ્યે મિત્ર રાકેશ વિજયભાઇ પઢીયાર (ઉ.વ.૧૭-રહે. સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ રેલનગર)ને સાથે લઇ ખોખડદળ ખાતે શ્રીબંધવાળા મેલડી માતાજીના મંદિર ખાતે દર્શન કરવા જઇ રહ્યો હતો.
બંને મિત્રો બાઇક પર નીકળ્યા હતાં. એ દરમિયાન આજીડેમ ચોકડીએ કોઇ કારણોસર બાઇક ઉભુ રાખી બંને બાઇક પાસે ઉભા હતાં ત્યારે અચાનક કોઇ વાહનનો ચાલક પુરઝડપે નીકળ્યો હતો અને બાઇક તથા આ બંનેને ઉલાળીને ભાગી ગયો હતો. બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. દેવ એક બહેનથી નાનો છે અને પિતા સાથે ઇમિટેશનનું કામ કરે છે. જ્યારે રાકેશ એકનો એક દિકરો છે. તેના પિતા હયાત નથી. અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહનચાલક અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:35 PM IST)










