<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

હિટ એન્‍ડ રનઃ ૧૦૦થી વધુ ‘ત્રિનેત્ર' જોઇ પોલીસે ફરાર કાર ચાલક પરેશને પકડયો

નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર સ્‍કુટર સવાર દંપતીને હડફેટે લીધા હતા : કાર ચાલક પરેશ તેની દુકાનેથી ઘરે જઇ રહયો હતો રસ્‍તામાં અકસ્‍માત સર્જાયો હતો.: યુનિવર્સિટી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાર કબ્‍જે કરી

રાજકોટ, તા. ૬: શહેરના નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર ઘંટેશ્વર તરફ જતા રસ્‍તે આવેલી ગીર ગામઠી હોટલ પાસે સ્‍કુટર પર જતા દંપતીને સ્‍કુટર સહિત હડફેટે લઇ રજાણ્‍યા કારના ચાલક ફરાર થઇ ગયો હતો. આ હિટ એન્‍ડ રનનાં ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી ઘટના સ્‍થળ અને આસપાસના ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના કુટેજ ચેક કરી ફરાર કાર ચાલશને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

રૈયા ગામમાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્‍પન ઓનેકસની સામે રહેતા કઠોળના વેપારી હિતેશભાઇ અશ્વીનભાઇ માણેક (ઉ.વ. ૩૭) ગઇ તા. રપ ના પત્‍ની અંજલીબેન સ્‍કુટર પર બેસાડી ઘરેથી ચકકર મારવા નિકળ્‍યા હતા. બન્ને નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર ગીરગામઠી હોટલ પાસે પહોંચતા પાછળથી પુરપાટ સ્‍પીડમાં ધસી આવેલા અજાણ્‍યો કારનો ચાલક તેને સ્‍કુટર સહિત હડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. આ અકસ્‍માતમાં દંપતી ફંગોળાઇને સ્‍કુટર સહિત રોડ પર પટકાતા પત્‍ની બેભાન જેવી બની જતા તાત્‍કાલીક પરિવાર જનોને જાણ કરી ૧૦૮ મારફતે ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દૌર શરૂ કર્યો હતો.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીયા, ડીસીપી ઝોન-ર રાકેશ દેસાઇ અને એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ, કે.કે. ગોહીલની રાહબારીમાં પીએસઆઇ એચ.એન. શ્‍યોરા, એન.વી. ચાવડા સહિતના સ્‍ટાફે અલગ-અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા માટે કવાયત શરૂ કરી હતી.

દરમીયાન ઘટના સ્‍થળ આસપાસના સીસીટીવી કુટેજ વગેરેના આધારે અને હેડ કોન્‍સ. દિવ્‍યરાજસિંહ સાવજુભા, દિવ્‍યરાજસિંહ કાળુભા સહિતે ટેકનીકલ સોર્સના આધારે અકસ્‍માત બાદ ફરાર સ્‍કોર્પીયો કારના ચાલક પરેશ જમનભાઇ તાલપરા (ઉ.વ. ૩૧ રહે. પ્રશાંત હાઇટસ ફલેટ નં. પ૦ર, ૧પ૦ ફુટ રીંગ રોડ) ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

પોલીસે જણાવ્‍યું કે, આરોપી પરેશને વાહનોના સીએનજી કિટ ફિટ કરવાની ૧પ૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ભાગીદારીમાં દુકાન આવેલી છે. તે ત્‍યાંથી પોતાની કાર લઇને ઘરે જવા નિકળ્‍યો હતો ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.કે. ગોહિલ તથા પો.સબ. ઇન્‍સ. એચ.એન. શ્‍યોરા, એન.વી. ચાવડા, જગમાલભાઇ ખટાણા, પો.હેડ કોન્‍સ. પ્રતાપસિંહ મોયા તથા ગોપાલસિંહ જાડેજા તથા દિવ્‍યરાજસિંહ કાળુભા, દિવ્‍યરાજસિંહ સાવજુભા તથા જયંતીભાઇ રાઠોડ, પો.કોન્‍સ. કૃષ્‍ણસિંહ ગોહીલ, પ્રવિણભાઇ જતાપરા, પ્રાદિત્‍યસિંહ ઝાલા તથા દિવ્‍યરાજસિંહ ટેમભા એ કરી હતી.

લોકો એકઠા થઇ

જતા ડરીને કાર લઇને

ભાગી ગયો હતો

રાજકોટ તા. ૬: પોલીસે હિટ એન્‍ડ રનની આ ઘટનામાં આરોપી પરેશે તાલપરાને પકડી પુછતાછ કરતા તેને એવું જણાવ્‍યું હતું કે, અકસ્‍માતની ઘટના બાદ ઘટના સ્‍થળે લોકોના ટોળા એકઠા થઇ જતા તે ડરી ગયો હતો. જેથી તે ત્‍યાંથી કાર લઇને ભાગી ગયો હતો. હાલ પોલીસે તેની વધુ પૂછતાછ જારી રાખી છે.

ઘટના પહેલાના કારચાલકની રૂટનાં કેમેરા ચેક કરી ગુનાનો ભેદ ઉકેલ્‍યો

રાજકોટ તા. ૬: નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર દંપતિને હેડફેટે લઇ ભાગી ગયેલા કાર ચાલકને પકડવા માટે યુનિવર્સિટી પોલીસે ઘટના સ્‍થળ આસપાસના ઉપરાંત ઘટનાના સમય પહેલાના કાર ચાલકના રૂટનાં ૧૦૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા.

જેના આધારે હિટ એન્‍ડ રન કરી ભાગી ગયેલા કારના નંબર શોધી ચાલક પરેશ તાલપરાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(3:55 PM IST)