News of Saturday, 26th September 2026
રાજકોટના જામનગર રોડ પર હિટ એન્ડ રન: 62 વર્ષીય અજાણ્યા વૃદ્ધાનું કરૂણ મોત, ગાંધીગ્રામ પોલીસે વારસદારોની શોધખોળ આદરી
ગંગા જમુના એપાર્ટમેન્ટ પાસે અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર; પોલીસે મૃતકની ઓળખ મેળવવા હાથ ધરી તપાસ

રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટોપ નજીક આવેલ ગંગા જમુના એપાર્ટમેન્ટ સામે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે રસ્તો ઓળંગી રહેલા આશરે 62 વર્ષીય અજાણ્યા વૃદ્ધાને જોરદાર ઠોકરે લીધા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી તાત્કાલિક ભાગી છૂટ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધાએ શરીરે લીલા લાલ રંગના સાડી અને બ્લાઉઝ પહેરેલા છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે અને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક વૃદ્ધાની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેમના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. જો આ મૃતક વૃદ્ધા અંગે અથવા તેમના પરિવારજનો વિશે કોઈને પણ કંઈપણ માહિતી હોય, તો તેમણે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 63596 27381 ઉપર સંપર્ક કરવા પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
(5:39 PM IST)










