<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રૈયા ગામ તુલસી માર્કેટ પાસે ‘હિટ એન્‍ડ રન': ભિક્ષાવૃતિ માટે ઉભેલા ભગાભાઇ પરમારનું મોત

અજાણ્‍યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ અન્‍ય બનાવમાં પાંજરાપોળના હેમતભાઇનું બેભાન થઇ જતાં અને કોઠારીયા શિવસાગર સોસાયટીના જોશનાબેનનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

 

રાજકોટ તા. ૨૧: રૈયા ગામ નજીક તુલસી માર્કેટ પાસે ભીક્ષાવૃતિ માટે ઉભેલા રૈયાના દિવ્‍યાંગ પ્રોૈઢનું ‘હિટ એન્‍ડ રન'માં મૃત્‍યુ થયું છે. તેઓ સવારે રોડ સાઇડમાં ઉભા રહતાં ત્‍યારે અજાણ્‍યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમનું મોત થયું હતું. 

જાણવા મળ્‍યા મુજબ રૈયા ગામમાં રહેતાં ભગાભાઇ વરજાંગભાઇ પરમાર (ઉ.વ.૫૫) નામના દિવ્‍યાંગ પ્રોૈઢ સવારે દસેક વાગ્‍યે રૈયા ગામ તુલસી માર્કેટ નજીક ભિક્ષાવૃતિ કરવા ઉભા હતાં ત્‍યારે અજાણી કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

ભગાભાઇ ચાર ભાઇમાં વચેટ હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. પોતે દિવ્‍યાંગ હોઇ બીજુ કામ કરી શકતાં ન હોઇ ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને ઠોકરે લઇ ભાગી ગયેલા કારચાલકને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા એક બનાવમાં પાંજરાપોળ પાસે મેલડી માતાના મંદિર નજીક રહેતાં હેમતભાઇ નોંધાભાઇ અદગાજા (ઉ.વ.૬૨) સવારે ઘર નજીક ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ પાસે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે મજુરી કરતાં હતાં. આંચકીની બિમારી હોવાનું ખુલ્‍યું હતું. થોરાળા પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં કોઠારીયા ગામની શિવસાગર સોસાયટી-૪માં રહેતાં જોશનાબેન સુરેશભાઇ કોટીલા (ઉ.વ.૪૦) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પતિ હયાત નથી. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:01 PM IST)