<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

કોઠી કમ્‍પાઉન્‍ડ કેમ્‍પસમાં ‘હિટ એન્‍ડ રન': બૂલેટને ઉલાળી ઇનોવા ભાગીઃ એઇમ્‍સના કર્મીને ગંભીર ઇજા

પરસાણાનગરમાં રહેતો ૨૧ વર્ષનો દુષ્‍યંત વાઘેલા સગાના ઘરે જતો હતો ત્‍યારે બનાવઃ પાછળ બેઠેલા આયુષને પણ ઇજાઃ કાર રેલ્‍વેના અધિકારીની હોવાનું કહી સગાએ ફુટેજ રજૂ કરતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી

 

રાજકોટ તા.૧૯: શહેરના કોઠી કમ્‍પાઉન્‍ડમાં ડબલસવારી વાળા બૂલેટને ઇનોવા કારનો ચાલક ઉલાળીને ભાગી જતાં બૂલેટ ચાલક જામનગર રોડ પરસાણાનગરમાં રહેતાં અને એઇમ્‍સ હોસ્‍પિટલમાં સ્‍વીપર તરીકે નોકરી કરતાં યુવાનને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરાયો છે. તેની પાછળ બેઠેલા યુવાનને પણ ઇજાઓ થઇ હતી. આ બંને બહારથી ચીજવસ્‍તુ લઇ સગાના ઘરે કોઠી કમ્‍પાઉન્‍ડ ક્‍વાર્ટરમાં જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. અકસ્‍માત સર્જનાર કાર રેલ્‍વેના અધિકારીની હોવાનું ઇજાગ્રસ્‍તના સગાએ જણાવતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર પરસાણાનગર-૧માં માતૃકૃપા ખાતે રહેતો દુષ્‍યંતભાઇ પંકજભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) નામનો યુવાન કોઠી કમ્‍પાઉન્‍ડમાં રહેતાં પરિવારની દિકરી સાથે સગપણ નક્કી થયું હોઇ ત્‍યાં પ્રસંગ હોવાથી પોતાનું બુલેટ લઇને ત્‍યાં ગયો હતો. ત્‍યાંથી તે સગાના દિકરા આયુષ જગદીશભાઇ (ઉ.વ.૧૮)ને બૂલેટમાં બેસાડી પ્રસંગને લગતી ચીજવસ્‍તુ લેવા નીકળ્‍યો હતો. બાદમાં બંને વસ્‍તુ લઇ સવારે સવા દસેક વાગ્‍યે કોઠ કમ્‍પાઉન્‍ડ ક્‍વાર્ટર તરફ જતાં હતાં ત્‍યારે કોઠી કમ્‍પાઉન્‍ડ કેમ્‍પસમાં જ એક ઇનોવા કારનો ચાલક બૂલેટને ઉલાળીને ભાગી જતાં દુષ્‍યંતભાઇ અને પાછળ બેઠેલો આયુષ બંને રોડ પર ફેંકાઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતાં.

ગંભીર ઇજાગ્રસ્‍ત દુષ્‍યંતભાઇને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ આયુષને પણ પ્રાથમિક સારવાર અપાઇ હતી. દુષ્‍યંતભાઇને પગભાં અત્‍યંત ગંભીર  પ્રકારની ઇજા પહોંચી હોઇ દાખલ કરાયો હતો. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસમાં નોંધ કરાવી હતી. દુષ્‍યંતભાઇ બે ભાઇમાં નાનો છે અને તેના માતા-પિતા  છુટક સફાઇ કામ કરે છે. તેનું સગપણ નક્કી થઇ ગયું છે. તે એઇમ્‍સમાં સ્‍વીપર તરીકે નોકરી કરે છે. બનાવની જાણ થતાં મોટી સંખ્‍યામાં સગા સંબંધીઓ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. દુષ્‍યંતભાઇના સગાના કહેવા મુજબ કાર રેલ્‍વેના અધિકારીની હતી અને તેમનો ડ્રાઇવર આ કાર લઇને નીકળ્‍યો હતો. પોલીસે આ માહિતીને આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

(2:24 PM IST)