તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
આરટીઓ સામે ‘હિટ એન્ડ રન‘: કાપડના વેપારી ૬૨ વર્ષિય પ્રેમજીભાઇ હળવદીયાનું મોતઃ પત્નિનો હાથ ભાંગી ગયો
સગાને ત્યાં અવસાન થયું હોઇ મોઢે થવા જઇ રહ્યા હતાં ત્યારે રિક્ષાવાળો બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો માલધારી સોસાયટીમાં રહેતાં પરિવારમાં ગમગીનીઃ પોલીસે અકસ્માત સર્જી ભાગેલા રિક્ષાચાલકની શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૩: આરટીઓ કચેરી સામેના રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં રિક્ષાનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકસવાર પ્રજાપતિ વૃધ્ધ અને તેમના પત્નિને ઇજા પહોંચી હતી. જેમાંથી પતિનું મૃત્યુ થતાં વૃધ્ધ દંપતિ ખંડીત થયું હતું. સગાને ત્યાં અવસાન થયું હોઇ મોઢે થવા જવા બંને નીકળ્યા હતાં.
જાણવા મળ્યા મુબજ આરટીઓ કચેરી પાસે માલધારી સોસાયટી-૧માં રહેતાં પ્રેમજીભાઇ વેલાભાઇ હળવદીયા-ગુર્જર કુંભાર (ઉ.વ.૬૨) તા. ૨૧/૯ના રોજ ઘરેથી હોન્ડામાં પોતાના પત્નિ શારદાબેનને બેસાડી સગામાં અવસાન થયું હોઇ ત્યાં હાજરી આપવા જવા ઘરેથી રવાના થયા હતાં. આ દરમિયાન આરટીઓની સામેના રોડ પર પહોંચતા એક રિક્ષાનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો.
આ અકસ્માતમાં પ્રેમજીભાઇને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના પત્નિ શારદાબેનનો હાથ ભાંગી ગયો હતો. પ્રેમજીભાઇ ગંભીર હાલતમાં સારવારમાં હોઇ તેમણે ગત સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પ્રેમજીભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં ચાર દિકરા છે. પોતે સંત કબીર રોડ પર કાપડની દુકાન ચલાવતાં હતાં. મોભીના મોતથી હળવદીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.
સાનિધ્ય એપાર્ટમેન્ટમાં હૃદય બંધ પડતાં કિરણભાઇ ભાલોડીયાનું મૃત્યુ
અન્ય બનાવમાં નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ સાનિધ્ય એપાર્ટમેન્ટ એ-૨૫૪માં રહેતાં કિરણભાઇ પોપટભાઇ ભાલોડીયા (ઉ.વ.૬૨) નામના વૃધ્ધ ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કિરણભાઇ જલગંગા કારખાનામાં નોકરી કરતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
(4:18 PM IST)










