<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રાજકોટમાં રચાશે ઈતિહાસ : સતત ૭૨ કલાક મેકઅપ અને હેર આર્ટ દ્વારા એકસાથે ૯ ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવશે ‘એટ્રેક્‍શન એકેડેમી'

૨૦ થી ૨૩ મે દરમિયાન યોજાશે ઈવેન્‍ટ; ૧૫૦થી વધુ કલાકારો પોતાની કલાના કામણ પાથરશે

રાજકોટ : રંગીલું રાજકોટ ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકવા જઈ રહ્યું છે. એટ્રેક્‍શન ઇન્‍ટરનેશનલ એકેડેમી દ્વારા આગામી તા. ૨૦ થી ૨૩ મે દરમિયાન સતત ૭૨ કલાક સુધી મેકઅપ અને હેર આર્ટનો મેગા ઈવેન્‍ટ યોજાવા જઈ રહ્યો છે. આ આયોજનની વિશેષતા એ છે કે તેમાં એકસાથે ૯ ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત કરવાનો અનોખો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હોવાનું સંસ્‍થાના આયોજકોએ જણાવ્‍યું હતું.

આ અંગે વિગતો આપતા એકેડેમીના ડાયરેક્‍ટર ભરતભાઈ ગાલોરીયાએ જણાવ્‍યું હતું કે, આ રેકોર્ડ માટે છેલ્લા ૬ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આ ઈવેન્‍ટ માટે સૌરાષ્‍ટ્ર અને ગુજરાતભરમાંથી એકેડેમિક ટેસ્‍ટ દ્વારા ૧૫૦થી વધુ શ્રેષ્‍ઠ આર્ટિસ્‍ટોની પસંદગી કરવામાં આવી છે. ‘મોટેલ ધ વિલેજ' ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં આ કલાકારો પોતાની સ્‍કીલનું પ્રદર્શન કરશે.

આ કાર્યક્રમ ૨૦મી મેના રોજ વહેલી સવારે ૫ વાગ્‍યે શરૂ થશે અને સતત ૭૨ કલાક સુધી ચાલીને ૨૩મી મેના રોજ સવારે ૫ વાગ્‍યે પૂર્ણ થશે. આ દરમિયાન નોન-સ્‍ટોપ મેકઅપ, હેરકટ, નેઈલ આર્ટ, મહેંદી અને કોરિયોગ્રાફી જેવી વિવિધ કેટેગરીમાં ગિનીસ બુકના કડક નિયમો અનુસાર રેકોર્ડ બનાવવામાં આવશે. દરેક આર્ટિસ્‍ટના કામનું બીફોર અને આફ્‌ટર ફોટો-વીડિયોગ્રાફી દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે.

ભરતભાઈએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના ખૂણે ખૂણે છુપાયેલી અદભૂત કલાને વિશ્વ સ્‍તરે ઓળખ અપાવવી અને નાના કલાકારોને સન્‍માનિત કરવા એ આ ઈવેન્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે શહેરીજનો માટે ૪-૪ કલાકના સ્‍લોટમાં પ્રવેશની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેના પાસનું વિતરણ એટ્રેક્‍શન એકેડેમી (વૈશાલીનગર કોર્નર), બોલબાલા ટ્રસ્‍ટ અને નિર્ધારિત સેન્‍ટરો પરથી કરવામાં આવશે.

આ ઈવેન્‍ટને સફળ બનાવવા માટે જયેશભાઈ ઉપાધ્‍યાય, મોટિવેશનલ સ્‍પીકર હર્ષલ માંકડ, વિજયસિંહ આર્ય અને ડો. યશવંત ગોસ્‍વામી, રીના પાંચાણી, પુષ્‍પાબેન રાઠોડ, દીપુ દીદી વિ.ની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯ર૬પપ૩પ૩૩પ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં એટ્રેકશન હેર સલૂન એન્‍ડ ઇન્‍ટરનેશનલ એકેડમીના ડાયરેકટર ભરતભાઇ ગાલોરીયા, હર્ષલભાઇ માંકડ, વિજય આર્ય, પ્રો. ડૉ. યશવંત ગોસ્‍વામી, હીનાબેન પાચાણી, અદિતી ગોંડલીયા, મિલન ધામેલીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:04 PM IST)