તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 16th May 2026
મંદિર ડિમોલિશન મુદ્દે વીએચપી લાલઘુમઃ આંદોલનની ચીમકી
બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા પાડવામાં આવેલા મંદિરોની મુલાકાત લેવાઈઃ મંદિરો માત્ર ઇમારતો નથી, પરંતુ લોકોની આસ્થા, શ્રધ્ધા અને લાગણીઓ સાથે જોડાયેલા કેન્દ્રો છે

રાજકોટ, તા. ૧૬: રાજકોટ શહેરમાં હિન્દુ ધર્મના મંદિરોને લગતા ડિમોલિશન મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન મંદિરો સામે કરવામાં આવતી કાર્યવાહીથી લોકોની લાગણીઓ દુભાઈ રહી છે અને જો આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા મંદિરો માત્ર ઇમારતો નથી, પરંતુ લોકોની આસ્થા, શ્રદ્ધા અને લાગણીઓ સાથે જોડાયેલા કેન્દ્રો છે. આવા સ્થળો સામેની કાર્યવાહીથી સામાન્ય લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિકો અને મંદિર સંચાલકો સાથે ચર્ચા કરી હતી. સંસ્થાએ દાવો કર્યો છે કે અગાઉ પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કાર્યવાહી અટકાવવામાં આવી નહોતી.
સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોને લગતા નિર્ણયો દરમિયાન લોકોની લાગણીઓ અને સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં લેવી જોઈએ.
વિહીપ દ્વારા પ્રતિક્રિયા આપતા પરેશભાઈ રૂપારેલીયા તથા મંગેશભાઈ દેસાઈએ કહ્યું હતું કે હજારો - લાખો લોકોની લાગણીઓ દુભાય તે રીતે મંદિરોનો ડેમોલિશન યોગ્ય નથી. આર એમ સી ને માત્ર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થાનો જ કેમ નડતર રૂપ થાય છે. જો આર એમ સી દ્વારા માત્ર હિન્દુ ધર્મના ર્ં ધાર્મિક સ્થાનો હટાવવાની યોજના ચાલુ રહેવાની હોય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજકોટ શહેરના સનાતન સંસ્કળતિ માં આસ્થા રાખવા વાળા તમામ લોકોને જાગળત અને સંગઠિત કરી શાંતિપૂર્ણ રીતે આંદોલનો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. મધ્યકાલીન ભારતમાં મુસ્લિમ આક્રાંતાઓ એ ભારતના હજારો થી લાખો નાના મોટા મંદિરો તોડી પાડેલા હતા પરંતુ હવે પછી સનાતન સંસ્કળતિના પ્રતિક સમાન ભારતભૂમિ ના મંદિરો નું સંરક્ષણ કરવું વર્તમાન સરકાર ની પ્રાથમિકતા હોવી જોઈએ. મંદિરોનું સંરક્ષણ અને સંગઠન હેતુ રાજકોટ શહેરના તમામ મંદિર સંચાલકોને વિશ્વ હિન્દુ પરિષદ (મો. ૯૦૯ ૯૦૯ ૫૫૨૫) નો સંપર્ક કરવા આહવાન કરવામાં આવ્યુ હતું. તેમ વિશ્વ હિન્દુ પરિષદની સતાવાર યાદીમાં જણાવાયુ છે
(3:07 PM IST)










