News of Friday, 25th September 2026
વાહન ચોરીના ચાર ગુનામાં સંડોવાયેલા હેત અને વિશાલ પાસામાં ધકેલાયા
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ.આઇ. એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એ.એન.પરમાર સહિતની ટીમ દ્વારા વોરંટની બજવણી

રાજકોટ તા. રપ :.. શહેરમાં વાહન ચોરીના ચાર જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા બે આરોપીની ક્રાઇમ બ્રાંચે પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલમાં ધકેલી દેવા કવાયત શરૂ કરી છે.
શહેરમાં વાહન ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાંચના માલવીયાનગર અને તાલુકા પોલીસ મથકના બે-બે મળી વાહન ચોરીના કુલ ૪ ગુનામાં સંડોવાયેલા હેત નિમેષભાઇ પિત્રોડા (ઉ.૧૯ રહે. વૃંદાવન સોસાયટી, અંકુરનગર મેઇન રોડ) અને વિશાલ ઉર્ફે ગોપાલ ભુપતભાઇ આટકોટીયા, (ઉ.રર રહે. વાલકેશ્વર સોસાયટી, હસનવાડી મેઇન રોડ) વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચની ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મંજુર કરાતા ક્રાઇમબ્રાંચે હેત અને વિશાલ બન્નેની પાસા તળે અટકાયત કરી અનુક્રમે અમદાવાદ અને વડોદરા જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચ પો.ઇન્સ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પો.સબ.ઇન્સ. એ.એન. પરમાર, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, પોલીસ હેડકોન્સ. હરસુખભાઇ આલાભાઇ સબાડ, જયદેવસિંહ રણજીતસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ગુમાનસિંહ ઝાલાએ કરી હતી
(4:15 PM IST)










