તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ભારે વરસાદની ચેતવણીઃ તમામ તંત્રને હાઇએલર્ટ મોડ પર મૂકતા કલેકટરઃ અધિકારીઓ- કર્મચારીઓની રજા રદ્
રાજકોટ શહેર-જીલ્લામાં હજુ માંડ ૩૭ ટકા વરસાદ પડયો છેઃ હાલ વાવણીકાર્ય ધમધોકાર : હેડ કવાર્ટર નહિ છોડવા આદેશોઃ શાપરમાં SDRFની ટીમ તૈનાતઃ તમામ કચેરીમાં કન્ટ્રોલરૂમ સતત કાર્યરત

રાજકોટ તા.૩૦: હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી રાજ્યભરમાં અતિભારે વરસાદને પગલે રાજકોટ કલેકટરે તમામ તંત્રને સંપૂર્ણપણે ‘‘એલર્ટ મોડ'' પર લાવી દીધા છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મહત્વના સુરક્ષાત્મક પગલાંઓ લેવામાં આવ્યા છે.
વરસાદી આપત્તિ સામે રાહત અને બચાવ કામગીરી માટે પૂરતું માનવબળ ઉપલબ્ધ રહે તે હેતુથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા અને પોતપોતાની ફરજ પર હાજર રહેવા કડક આદેશ અપાયા છે.
ઈમરજન્સી રેસ્કયૂ અને રાહત કામગીરી માટે રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક વિશેષ ટીમ બોટ્સ અને આધુનિક બચાવ સાધનો સાથે કાર્યરત કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લાના તમામ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ્સ (જેવા કે સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ વિભાગ)ના કંટ્રોલ રૂમ દિવસ-રાત (૨૪×૭) મોનિટરિંગ માટે કાર્યરત કરી દેવામાં આવ્યા છે.સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન મેઘરાજાની ધીમી પધરામણી થઇ છે. સિંચાઈ અને ફ્લડ કંટ્રોલ વિભાગ તેમજ સ્થાનિક તંત્રના આંકડા અનુસાર, રાજકોટ જિલ્લામાં મોસમનો અત્યાર સુધીમાં ૩૭ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂકયો છે. વરસાદના આ તબક્કા સાથે જ જિલ્લાના મુખ્ય અને ગૌણ મળીને કુલ ૨૭ જેટલા ડેમોમાં ૩૭ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. આજી, ભાદર, ન્યારી અને મોજ સહિતના મુખ્ય જળાશયોમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નવા પાણીની આવક નોંધાઈ છે.૩૭ ટકા વરસાદથી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને પાકને જીવનદાન મળ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી-નાળા કે ડેમની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે
(3:19 PM IST)










