<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

બપોરે ૩:૩૦ વાગ્‍યાથી વરસાદે જોર પકડ્‍યુ, શહેરમાં રસ્‍તાઓ પર પાણી ભરાવાની શરૂઆત : ગઈકાલથી છવાયેલા વરસાદી માહોલ વચ્‍ચે આજે બપોર બાદ એકરસ વરસાદથી રાજકોટ તરબતર

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી છવાયેલા વરસાદી માહોલ વચ્‍ચે આજે બપોર બાદ અચાનક વરસાદે જોર પકડ્‍યું હતું. બપોરે સાડા ત્રણ વાગ્‍યાના અરસામાં શરૂ થયેલો વરસાદ અડધી કલાકથી વધુ સમય સુધી એકધારો વરસતા શહેરના અનેક વિસ્‍તારોમાં વાતાવરણ ઠંડકભર્યું બની ગયું હતું.

ગઈકાલથી જ રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, ત્‍યારે આજે બપોર બાદ મેઘરાજાએ જાણે ધોધમાર બેટિંગ શરૂ કરી હોય તેમ વરસાદ વરસાવ્‍યો હતો. એકરસ વરસાદને કારણે રસ્‍તાઓ ભીંજાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવાની સ્‍થિતિ સર્જાવા લાગી હતી.

અચાનક વરસાદનું જોર વધતાં વાહનચાલકોને પણ મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. અનેક લોકો વરસાદથી બચવા માટે રસ્‍તાની આસપાસના આશ્રયસ્‍થાનોમાં ઉભા રહી ગયા હતા. બીજી તરફ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં વરસાદને લઈને રાહતની લાગણી જોવા મળી હતી.

રાજકોટમાં બપોર બાદ પડેલા આ ધોધમાર વરસાદથી શહેરનું વાતાવરણ એકદમ ઠંડુ અને ખુશનુમા બની ગયું હતું. વરસાદ હજુ પણ ચાલુ રહેતા આગામી સમયમાં શહેરના અન્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદનું જોર વધવાની શકયતા વચ્‍ચે તંત્ર પણ સાવચેત બન્‍યું છે.

(3:51 PM IST)