News of Saturday, 25th April 2026
રાજકોટમાં આકરા તાપનો પ્રકોપઃ પારો ૪૨.૮ ડિગ્રીએ પહોંચતા શહેર થયું તવા જેવું ગરમ
બપોરે ૨:૩૦ વાગ્યે ૧૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ વાતાવરણમાં વધારી અકળામણ; રસ્તાઓ સુમસામ

રાજકોટ, તા. રપ : શહેરમાં આજે સૂર્યના આકરા મિજાજ અને ગરમીના અસહ્ય પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આજે બપોરે ૨:૩૦ કલાકે શહેરનું તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. કાળઝાળ ગરમી અને તેની સાથે ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોને કારણે રસ્તાઓ પર લૂ જેવો અનુભવ થઈ રહ્યો છે.
બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. ગરમીના કારણે લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીના રસ અને છાશનો સહારો લઈ રહ્યા છે. પશુ-પક્ષીઓ પણ આ આકરા તાપથી બચવા છાંયડાની શોધમાં જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગ અને હવામાનશાસ્ત્રીઓ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
(4:05 PM IST)










