News of Tuesday, 26th May 2026
ગરમી જૂનમાં પણ રીતસર અકડાવશેઃ શિક્ષણ વિભાગ સ્કૂલોનું વેકેશન લંબાવે!
આકાશી આફત સામે માસૂમોને કેમ હોમાય? આગામી ૮ જૂનથી શાળાઓ શરૂ ન કરવા વાલીઓની અપીલ : મોટેરાઓ પણ લૂ-આકરા તાપમાં તોબા પોકારી ગયા, તો નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં શેકાશે કેવી રીતે? ભાડા વધારાની પળોજણ બાજુ પર મૂકો, વેકેશન લંબાવવા પ્રર્વતતી લાગણી

રાજકોટ, તા.૨૬: સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. અસહ્ય અને કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વાલી આલમમાંથી એક જ પ્રબળ માંગ ઉઠી રહી છે. ગમે તેમ કરો, પણ શાળાનું વેકેશન લંબાવો! આગામી ૮ જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ હવામાન શાષીઓની સત્તાવાર આગાહી મુજબ જૂન મહિનામાં પણ ગરમીનો આ દોર અટકવાનો નથી. ઉલટાનું તાપમાન હજુ પણ ઊંચું રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં માસૂમ બાળકોને શાળાએ ધકેલવા તે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા સમાન છે.
આકરા તાપથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને મોટેરાંઓ પણ ઘરની બહાર નીકળતા અચકાય છે. ચામડી દાઝી જાય તેવા આ વાતાવરણમાં જો શાળાઓ ખુલશે, તો બાળકો રીક્ષા, વાન કે બસોમાં ઉકળાટ વચ્ચે કેવી રીતે મુસાફરી કરશે? અને સરકારી કે સામાન્ય શાળાઓના ક્લાસરૂમમાં પંખાના પવન વચ્ચે પણ બાળકો ગરમીમાં શેકાઈ જશે. લૂ લાગવી, ચક્કર આવવા અને ડીહાઈડ્રેશન થવાની ભીતિ વચ્ચે વાલીઓ પોતાના વહાલસોયાને આવી આગમાં મોકલવા સહેજ પણ તૈયાર નથી.
નવા સત્રની શરૂઆત સાથે જ સ્કૂલ વાન અને રીક્ષા ચાલકોના ભાડા વધારાના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે, પણ વાલીઓનું કહેવું છે કે, અમને અત્યારે બેસો-પાંચસો રૂપિયાના વધારાની કોઈ ચિતા નથી, અમને ચિતા માત્ર ને માત્ર અમારા બાળકોના જીવની છે. જૂન મહિનાની ભયાનક ગરમીને જોતાં સરકારે તાકીદે સંવેદનશીલતા દાખવીને વેકેશનના દિવસો લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવી જ જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
(3:33 PM IST)










