<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં : ભોજનની થાળીમાંથી જીવજંતુ નીકળતાં ભારે હોબાળો : વીડિયો વાયરલ થતાં તંત્ર પર ઉઠ્યા સવાલો

સૌરાષ્ટ્રની સૌથી મોટી PDU હોસ્પિટલમાં દર્દીઓને અપાતા દાળ-ભાતમાં જીવાત મળી આવી હોવાનો આક્ષેપ : સરકારી રસોડાની સ્વચ્છતા સામે ગંભીર પ્રશ્નો

રાજકોટ તા.૨૭ : રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવજંતુ નીકળતાં ભારે હોબાળો મચ્યો છે.

 

મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અપાતા દાળ-ભાતની થાળીમાં જીવાત જોવા મળી હતી. કોઈ જાગૃત દર્દીના સગાએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા જ આ મામલો સામે આવ્યો છે.

 

વાયરલ વીડિયો બાદ રાજકોટ સિવિલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ દર્દીઓ સારવાર અર્થે અહીં આવે છે, ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે જ ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

 

આ અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉંદર, શ્વાન અને ગંદકીના વીડિયોને લઈ વિવાદમાં આવી ચૂકી છે. હાલ આ નવા વીડિયો બાદ હોસ્પિટલના કિચનની તપાસ અને કેન્ટીન સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

(2:04 PM IST)