News of Monday, 11th May 2026
અમરેલીના વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેર અને છગનભાઈ ડાભી સહિત ચાર શખ્સો ₹૫૧ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં : ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપ
ફરિયાદીના મિત્રની ગાડી-મોબાઇલ જપ્ત ન કરવા અને માર ન મારવા માટે મયુરભાઈ ખુમાણ અને અતુલભાઈ ચૌહાણ મારફતે લાંચની માંગણી કરનાર પોલીસકર્મીઓને ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા

રાજકોટ:રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની ટીમને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિઓ મળી કુલ ચાર આરોપીઓને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત
આ કેસની હકીકત મુજબ, વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના મિત્ર વિરુદ્ધ એક ગુનો દાખલ થયો હતો, જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનસુખભાઈ મેર કરી રહ્યા હતા. આ ગુનામાં તપાસ દરમિયાન ફરિયાદીના મિત્રનો મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે ન કરવા, તેમને માર ન મારવા અને ધંધો વ્યવસ્થિત ચલાવવા દેવાના બદલામાં વિજયભાઈ મેરે અતુલભાઈ ચૌહાણ નામના શખ્સ મારફતે પ્રથમ રૂ. ૧,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. ૫૧,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું.
એસીબીનું છટકું અને ધરપકડ
લાંચની આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે એસીબીના મદદનીશ નિયામક એસ. એન. બારોટના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી અને તેમની ટીમે વંડા ગામમાં જેસર-સાવરકુંડલા જાહેર રોડ પર આવેલ ગોપીનાથ ઓઈલ મીલના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું.
ટ્રેપ દરમિયાન આરોપી મયુરભાઈ બાબુભાઈ ખુમાણે આરોપી વિજયભાઈ મેર વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. ૫૧,૦૦૦/- સ્વીકાર્યા હતા. નાણાં મળી ગયા હોવાની જાણ વિજયભાઈને કરાતા, બીજા હેડ કોન્સ્ટેબલ છગનભાઈ માવજીભાઈ ડાભી તે રકમ લેવા આવ્યા હતા. જેવી છગનભાઈએ મયુરભાઈ પાસેથી લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ એસીબીએ બંનેને સ્થળ પર દબોચી લીધા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી વિજયભાઈ મેરને પણ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
તંત્રની કડક કાર્યવાહી
આમ, બંને પોલીસ કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં ખાનગી વ્યક્તિઓની મદદ લઈ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી છે. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ટ્રેપના સમાચારથી પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(9:31 PM IST)










