<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

પાણીના લોટામાં સોનાનું તાવીજ મુકાવ્‍યું, ચોકમાં મુકીને આવું કહી કિન્‍નર બનીને આવેલો શખ્‍સ સાગ્રીત સાથે ભાગી ગયો

રૈયા રોડની મારવાડી સોસાયટીમાં બનાવઃ ડેલીએ ઉભી તાળીઓ પાડી પછી ઘરમાં ઘુસી ખાટલા પર બેસી ગયોઃ વાતચીતમાં મહિલાના પતિ બિમાર હોવાનું જાણી નજર ઉતારવાની વિધી કરવાનું નાટક કર્યુ : યુનિવર્સિટી પોલીસમાં સંતોકબેન ગુર્જરે જાણ કરતાં પીઆઇ દવેની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. શ્‍યોરા અને ટીમે પડવલાના બે કુટુંબી ભાઇ પ્રવિણ ખરેડ અને વનરાજ ખરેડને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: શહેરમાં ગઠીયાઓ નીતનવા નુસ્‍ખાઓનો ઉપયોગ કરી લોકોને છેતરી જતાં હોય છે. આ વચ્‍ચે રૈયા રોડ મારવાડી સોસાયટીમાં રહેતાં એક મહિલાને છેતરીને નકલી કિન્‍નર સહિત બે જણા ૫૦ હજારનું સોનાનુ માદડીયુ (તાવીજ) લઇ ભાગી જતાં ચકચાર જાગી છે. જો કે યુનિવર્સિટી પોલીસે તત્‍કાળ કાર્યવાહી કરી નકલી કિન્‍નર બનેલા પડવલાના શખ્‍સ અને તેના કુટુંબી ભાઇને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે. પડવલાના શખ્‍સે વ્‍યંઢળનો સ્‍વાંગ રચી મહિલાના ઘર પાસે તાળીઓ વગાડી પછી ઘરમાં જઇ તારા બિમાર પતિને સાજો કરી દઇશ કહી નજર ઉતારવાની વિધીના નામે ઠગાઇ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ દ્વારકાધીશ સોસાયટીની બાજુમાં મારવાડી સોસાયટી-૫માં રહેતાં સંતોકબેન વિરમભાઇ ગુર્જર (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી સફેદ રંગનો શર્ટ પહેરીને આવેલો વનરાજ નામનો શખ્‍સ અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. સંતોકબેન પતિ અને બે દિકરા સાથે છે. પતિ વિરમભાઇ કલરકામ કરી ગુજરાન ચલાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મંગળવારે બપોરે બારેક વાગ્‍યે હું અને મારા પતિ અને બે દિકરા ઘરે હતાં ત્‍યારે અજાણ્‍યો શખ્‍સ કિન્‍નરનો વેશ ધારણ કરીને આવ્‍યો હતો. તે લેડીઝ જેવી કદ કાઠીનો હતો. તેણે મારા ઘર પાસેઅ ાવી તાળીઓ વગાડી હતી.

જેથી મને લાગ્‍યું કે કોઇ કિન્‍નર છે, આ પછી તે અમારા ઘરમાં અંદર આવી ખાટલામાં બેસી ગયેલ અને મારી સાથે વાતો કરવા લાગ્‍યો હતો. આ વખતે મારા પતિ મારી બાજુમાં પલંગ પર સુતા હતાં. આ વખતે અજાણ્‍યા કિન્‍નરે મને કહેલું કે તારા પતિને શું થયું છે? જેથી મેં કહેલું કે તેને પેરેલિસિસ-લકવાની અસર છે. આથી કિન્‍નરે મને કહ્યું કે એક ગ્‍લાસ પાણીમાં મીઠુ મરચુ નાંખીને લઇ આવો, હું તારા પતિની નજર ઉતારી દઇશ એટલે એ સાજો થઇ જશે. મારા પતિને સારુ થઇ જાય તેવા હેતુથી મેં આ કિન્‍નર જેવા શખ્‍સ ઉપર વિશવાસ રાખી પાણીનો ગ્‍લાસ આપ્‍યો હતો. આ પછી તેણે કહ્યું કે તમે પહેરેલુ તાવીજ-માદડીયુ આ પાણીના ગ્‍લાસમાં નાંખી દો. જેથી મેં પાંચ ગ્રામ સોનાનાનું રૂા. ૫૦ હજારનું તાવીજ ગ્‍લાસમાં નાંખી દીધુ હતું.

આ પછી કિન્‍નરે કહેલું કે હું ચોકમાં પાણી નાંખીને પરત આવુ છું, તેમ કહી તે ગ્‍લાસ લઇ બહાર ગયેલ. મને અજુગતું લાગતાં હું પાછળ જતાં તે શેરીમાં એક સફેદ રંગનો શર્ટ પહેરીને ઉભેલા મોટરસાયકલ ચાલક તરફ જતો દેખાયો હતો. કિન્‍નરે એ શખ્‍સને વનરાજ એવો સાદ કરીને બોલાવ્‍યો હતો. આથી એ શખ્‍સ મોટરસાઇકલ લઇને આવતાં કિન્‍નર તેમાં બેસી ગયો હતો અને બને ભાગી ગયા હતાં. આ રીતે તે મારુ ૫૦ હજારનું સોનાનું તાવીજ છેતરીને લઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં ડી. સ્‍ટાફ પીએસઆઇ એસ. એન. શ્‍યોરા અને ટીમે બે શકમંદ પડવલાના પ્રવિણ વીરાભાઇ ખરેડ અને તેના કુટુંબી ભાઇ પડવલાના વનરાજ જીવણભાઇ ખરેડને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. 

 

(3:04 PM IST)