તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 23rd April 2026
હર્ષ સંઘવીનો સાંજે ભવ્ય રોડ-શો પ્રચારમાં ગરમાવોઃ ભાજપનું શકિતપ્રદર્શન
તમામ ઉમેદવારો, હોદ્દેદારો સાથે નાયબ મુખ્યમંત્રી બજારમાં ફરશે : બાલાજીના દર્શન બાદ પ્રબુધ્ધો સાથે મીટીંગનું આયોજનઃ વોર્ડ નં. પ,૧૦,૧૧, ૧ર તથા ૧૪ ના કાર્યાલયે મુલાકાત લેશે

રાજકોટ,તા.૨૩ : મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે પક્ષના પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ગુજરાતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીનો આજે ૨૩ એપ્રિલે સાંજે ૬:૧૫ થી રાત્રીના ૧૦:૨૦ કલાક સુધી ભવ્ય રોડ શો પ્રબુધ્ધ નાગરિકો સાથે મુલાકાત તથા વિવિધ વોર્ડમાં વોર્ડ કાર્યાલયની મુલાકાત લઈ પ્રચારમાં કાર્યકર્તાઓ સાથે જોડાશે.
આજે સાંજે ૬:૧૫ કલાકે ૨૩મી એપ્રિલ અને આજે રોજ સાંજે શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં શ્રી હર્ષ સંઘવીનો એક ભવ્ય રોડ-શો યોજાશે જઈ રહ્યો છે. આ મેગા રોડ-શો દ્વારા તેઓ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જનતા સાથે સીધો સંપર્ક સાધશે. આ રોડ શો ને સફળ બનાવવા બજાર વિસ્તારોમાં દુકાને-દુકાને ઝંડીઓ લગાવવામાં આવી છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં બાઈક રેલી સહિતની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.
ઉમેદવારોના ચૂંટણી ફોર્મ ભરાયાના બીજા દિવસે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવ્યા હતા અને બહુમાળી ભવન ચોકમાં વિજય સંમેલન યોજયું હતું. આ બાદ પ્રદેશ નેતાઓ અને પ્રભારી મંત્રીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તમામ ૧૮ વોર્ડમાં ઉમેદવારો સ્થાનિક નેતાઓ સાથે પ્રચારમાં લાગી ગયા છે. હવે મતદાનના ત્રણ દિવસ અગાઉ અને જાહેર પ્રચાર પુરો થવાના એક દિવસ અગાઉ ભાજપ પ્રચારનું વાવાઝોડુ સર્જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે.
સાંજે હર્ષ સંઘવી રાજકોટ આવવાના છે. તેઓ ત્રિકોણબાગથી જુના રાજકોટના મુખ્ય વિસ્તારોમાં રોડ-શો અને લોકસંપર્ક કરશે. શહેરના તમામ ભાજપ નેતાઓ અને ૧૮ વોર્ડના ૭ર ઉમેદવારો આ લોકસંપર્કમાં જોડાવાના છે. ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં આ નેતાઓ ફરશે.
તે બાદ હર્ષભાઇ સંઘવી બાલાજી મંદિરના દર્શન કરે તેવી પણ શકયતા છે. આ લોકસંપર્ક યાત્રા બાદ નાયબ મુખ્યમંત્રી પ્રબુધ્ધ લોકો સાથે મીટીંગ કરવાના છે.
આ બાદ રાત્રે ૯:૩૦ કલાકથી વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧, વોર્ડ નં.૧૪ તેમજ વોર્ડ નં.૫ના ચૂંટણી કાર્યાલયની મુલાકાત લઈ સંગઠનને વધુ મજબુત બનાવવા અને ભાજપ તરફી વધુ માં વધુ મતદાન થાય સહિતના મુદે કાર્યકરોને માર્ગદર્શન આપશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભવ્ય રોડ-શોમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા અત્યારે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રોડ-શો, જનસભાઓ તેમજ ડોર-ટુ-ડોર કેમ્પેઇનનો સમાવેશ થાય છે. ત્યારે આજે સાંજે યોજાનાર ગૃહ રાજ્યમંત્રીનો આ રોડ-શો શહેરના રાજકીય માહોલ અને ચૂંટણી પ્રચાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. (૯.૧પ)
નાયબ મુખ્યમંત્રીનો કાર્યક્રમ
રાજકોટ : આજે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવવાના છે. જેનો કાર્યક્રમ આ મુજબ છે. સાંજે ૬-૧પ કલાકે મેઇન બજારમાં રોડ શો, સાંજે ૭-૩૦ કલાકે પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત, રાત્રે ૯ કલાકે વોર્ડ નં. ૧૦ ના ચૂંટણી કાર્યાલયની મુલાકાત, રાત્રે ૯.૩૦ કલાકે વોર્ડ-૧૧ ના ચૂંટણી કાર્યાલયની મુલાકાત, રાત્રે ૧૦ કલાકે વોર્ડ નં. ૧૪ ચૂંટણી કાર્યાલયની મુલાકાત તથા રાત્રે ૧૦.ર૦ કલાકે વોર્ડ-પ ચૂંટણી કાર્યાલયની મુલાકાતનો સમાવેશ થાય છે.
(2:38 PM IST)










