<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુંદાવાડીની રિંકલબેન ભાવનાણી પર બહેનપણી જાનવીએ ત્રણ શખ્‍સો મોકલીને હુમલો કરાવ્‍યો

પહેલા ફોન કરી જાનવીએ કહ્યું-તું મારી ખોટી વાતો ફેલાવે, પ્રૂફ મળશે એટલે જોઇ લઇશઃ બાદમાં મોડી રાતે રિંકલબેન ભુમેશ્વરી સોસાયટીમાં બીજી સખીના ઘરે હતી ત્‍યાં વિજયગીરી, અજય, ધર્મેશે આવી ધમાલ મચાવીઃ વચ્‍ચે પડેલા સંબંધી નિખીલભાઇને લાફા મારી છરી બતાવી ધમકીઃ આજીડેમ પોલીસે ચારેય સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૯:  ગુંદાવાડીમાં રહેતી યુવતિને તેની જ બહેનપણીએ ફોન કરી તું મારી ખોટી વાતો ફેલાવે છે, તને જોઇ લઇશ કહી ધમકી આપ્‍યા બાદ મોડી રાતે આ યુવતિ કોઠારીયા રોડ પર આવેલી ભુમેશ્વરી સોસાયટીમાં  બહેનપણીના ઘરે જમવા માટે ગઇ હતી ત્‍યારે બહેનપણીએ મોકલેલા ત્રણ શખ્‍સોએ કારમાં આ સ્‍થળે આવી ગાળો દઇ યુવતિ અને તેને બચાવવા વચચે પડેલા યુવાન પર હુમલો કરી લાફા મારી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં આજીડેમ  પોલીસે ગુંદાવાડી શેરી નં. ૧૨માં રહેતાં રહેતી રિંકલબેન મુરલીધરભાઈ ભાવનાણી (ઉ.વ. ૨૨)ની ફરિયાદ પરથી વિજયગીરી, અજયભાઇ, ધર્મેશ વાઘેલા અને જાનવી મકવાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. રિંકલબેને પોતાના પરિવાર સાથે રહે છે. ફરિયાદમાં જણાવાયા મુજબ તારીખ ૨૭/૭ના રોજ રાત્રીના અઢી વાગ્‍યાની આસપાસ રિન્‍કલબેનને બહેનપણી જાનવી મકવાણાનો ફોન આવ્‍યો હતો. જાનવીએ રિંકલબેનને-તું મારી ખોટી વાતો કેમ ફેલાવે છે? કહેતાં રિંકલબેને આવી કોઈ વાત ન કરી હોવાનું સમજાવવા છતાં જાનવીએ મારી પાસે પૂફ આવશે એટલે તને જોઈ લઈશ તેમ કહી ફોન કાપી નાખ્‍યો હતો.

ત્‍યારબાદ રાત્રીના આશરે ૧૧ વાગ્‍યાની આસપાસ રિંકલબેન તથા તેમના સગા નિખિલભાઈ ચંદારાણા બહેનપણી  પાયલબેન અગ્રાવતના કે જે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે ભુમેશ્વરી સોસાયટીમાં રહે છે તેના ઘરે જમવા ગયા હતા. જમીને ઘરના તમામ વાતો કરી રહ્યા હતાં ત્‍યારે તારીખ  રાત્રે આશરે દોઢ વાગ્‍યાના સુમારે એક ગ્રે કલરની ક્રેટા કાર પાયલબેનના ઘર પાસે આવીને ઊભી રહી હતી.

કારમાંથી ત્રણ શખે વિજયગીરી, અજયભાઈ અને ધર્મેશ વાઘેલા ઉતર્યા હતા અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્‍યા હતા. ઘરની બહાર નીકળીને જોતાં વિજયગીરીએ રિંકલબેનને-તું કેમ જાનવીની ખોટી વાતો કેમ ફેલાવે છે?ૅ તેમ કહીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. નિખિલભાઈ ચંદારાણાએ વિજયગીરીને ગાળો બોલવાની ના પાડી, ત્‍યારે વિજયગીરીએ ગુસ્‍સે થઇ  નિખિલભાઈના ગાલ પર બે-ત્રણ લાફા ચોડી દીધા હતા. ડરી ગયેલા રિંકલબેન ઘર તરફ ભાગવા જતાં અજયભાઈએ દરવાજો બંધ કરી રિંકલબેનને પકડી લીધા હતા અને ઢીંકા-પાટુનો માર માર્યો હતો.

બીજી તરફ વિજયગીરી અને ધર્મેશ વાઘેલાએ નિખિલભાઈને પણ ઢીંકા-પાટુનો માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. બચાવ માટે ઝપાઝપી થતાં ધર્મેશ વાઘેલાએ પોતાના નેફામાંથી છરી કાઢી નિખિલભાઈને મારવા પાછળ દોટ મૂકી હતી. બનાવને પગલે શેરીના આજુબાજુના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો મુશ્‍કેલીમાં મુકાયા હતા. ભાગતાં પહેલાં વિજયગીરી અને અજયભાઈએ રિંકલબેનને ધમકી આપી હતી કે-હવે તુ ગમે ત્‍યાં રસ્‍તામાં ભેગી થઈશ ત્‍યાં જ તને પતાવી દઈશ, જીવતી નહીં જવા દઉં. આટલું કહી તમામ શખ્‍સો તેમની ક્રેટા કાર લઈને સ્‍થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ રિંકલબેન અને નિખિલભાઈ પોતાના ઘરે પરત ફર્યા હતા અને ત્‍યારબાદ આજીડેમ પોલીસ સ્‍ટેશને રૂબરૂ પહોંચી ફરિયાદ નોંધાવી હતી. રિંકલબેનના જણાવ્‍યા અનુસાર આ સમગ્ર હુમલાનું કાવતરૂં તેણીની બહેનપણી જાનવી મકવાણાની ઉશ્‍કેરણી અને કહેવાથી રચવામાં આવ્‍યું હતું. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(2:10 PM IST)